(એજન્સી) તા.૨૧
યુપી પોલીસ હવે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી આધારિત કેમેરા લગાવશે. આ કેમેરા સ્થાપિત કરવા માટે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ૨૦૦ જગ્યાની ઓળખ કરવામાં આવી છે, જ્યાં મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
આ મામલે વિશેષ બાબત એ છે કે, જો કોઈ મહિલા અસ્વસ્થ છે અને તેને કોઈ છોકરા દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે અથવા તેનો પીછો કરવામાં આવી રહ્યો છે, તો આ કેમેરો છોકરીના ચહેરાના હાવભાવ વાંચીને ૧૧૨ને મેસેજ મોકલી દેશે જે પછી પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે.
હાલમાં લખનૌમાં આ કેમેરા પ્રયોગરૂપે લગાવવામાં આવી રહ્યા છે. લખનૌના પોલીસ કમિશનર ડી.કે. ઠાકરે આ સંદર્ભે એક કવાયત શરૂ કરી દીધી છે. આ પ્રકારનો પહેલો પ્રયોગ હશે જેમાં મહિલાઓને ચહેરાના હાવભાવ જોઈને એવું માનવામાં આવશે કે તેમને કોઈ સમસ્યા છે.
જો આ પ્રારંભિક પ્રયોગ સફળ થશે તો પછી આવા કેમેરા ઘણા સ્થળો અને જિલ્લાઓમાં લગાવવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ બુધવારે પોલીસ મહાનિર્દેશક એચ.સી.અવસ્થીને મળીને રાજ્યમાં મહિલા સુરક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ મામલે એક નિવેદન જાહેર કરતાં આયોગે કહ્યું કે, રેખા શર્માએ ૧૮ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી દરમિયાન યુપીની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન, તેમણે મહિલાઓની સુરક્ષા સંબંધિત ફરિયાદો અંગે માહિતી મેળવી. મહિલા પંચે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં તેમના રોકાવા દરમિયાન રેખા શર્માએ પોલીસ મહાનિર્દેશક સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે મહિલાઓની સુરક્ષા અને બાકી ફરિયાદોથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેખાએ પેન્ડિંગ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે જે અંગે પોલીસ તરફથી કોઈ રિપોર્ટ આવ્યો નથી.