(એજન્સી) તા.૧૦
છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળેલી આ હેડલાઇન્સ પર એક નજર નાખીએ : ભારતની જીડીપીમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ૨૩.૯ ટકાનો ઘટાડો. પીચ રેટીંગ્સના અનુમાન અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી ગ્રોથ ૧૦.૫ ટકા જેટલો ઘટશે. ગોલ્ડમેન સેસે જીડીપી ગ્રોથ અંગેનું પોતાનું અગાઉનું અનુમાન માઇનસ ૧૪.૮ ટકાથી ઘટાડીને ૧૧.૧ ટકા કર્યુ. હવે આર્થિક સલાહકારી પરિષદ, નીતિ આયોગ અને ચીફ ઇકોનોમિ એડવાઇઝર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રજૂ કરાયેલ પ્રેઝન્ટેશન અંગેનો આ રિપોર્ટ વાંચો. ઇએસી, નીતિ આયોગ અને સીઇએ દ્વારા રજૂ કરાયેલ પ્રેઝન્ટેશનમાં એક સ્પષ્ટ સંદેશ એ હતો કે નાણાકીય સિસ્ટમ માટે રાજકોષિય પ્રોત્સાહન અને સહયોગની જરુર છે. વડાપ્રધાન આ બાબતમાં મોટું પેકેજ જાહેર કરશે પરંતુ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. આમ નરેન્દ્ર મોદીને તેમના ટોચના આર્થિક સલાહકારોએ ભારતીય અર્થતંત્રને નાણાકીય પ્રોત્સાહક પેકેજની જરૂર છે એવું સ્પષ્ટ કરવા છતાં મોદી તેના પર કેમ કોઇ કાર્યવાહી કરતાં નથી તેનો જવાબ મે મહિનામાં મળી ગયો હતો કે જ્યારે સરકારે જીડીપીના ૧ ટકા જેટલો વધારાનો ખર્ચ કરવા માટે આત્મનિર્ભર ભારત યોજના જાહેર કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ આ સપ્તાહે આ પ્રકારના અભિગમ સામે ચેતવણી આપતાં અર્થતંત્રની હાલત માંદગીથી પીડાતાં દર્દી સાથે કરી હતી. આ સંદર્ભમાં એવો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી પાસે બે આંકડામાં થયેલ જીડીપી ઘટાડામાંથી ભારતને બહાર કાઢવાનો કોઇ પ્લાન છે ખરો ? રેટીંગ એજન્સીઓને ભારતના જીડીપી ઘટાડામાં સુધારો થશે એવી અપેક્ષા છે અને ખાસ કરીને ગોલ્ડમેન સેસે એવું અનુમાન કર્યુ છે કે આ નાણાકીય વર્ષ માટે ભારતનો ગ્રોથ માઇનસ ૧૪.૮ ટકા રહેશે. એક અહેવાલ એવો છે કે સરકાર કોરોના વાયરસના કેસો ઘટે અથવા કોરોના વાયરસ પર કાબૂ મેળવી શકાય ત્યાં સુધી રાહ જોવા માગે છે, પરંતુ કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો થવાની કોઇ અપેક્ષા નથી અને તેથી પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકાર પગલાં લેવા માટે ક્યાં સુધી રાહ જોવા માગે છે ? એમાંય ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ ચિંતાજનક છે કે મોદીના આર્થિક સલાહકારોએ તેમને છ અઠવાડિયા પૂર્વે આર્થિક પ્રોત્સાહક પેકેજ જાહેર કરવાની ભલામણ કરી હોવા છતાં મોદી હજુ કોઇ કાર્યવાહી કરવાના મૂડમાં નથી.