(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક દિવસના ઉપવાસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણાની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોદીએ દેશમાં ખેડૂતોના આપઘાત અને જૂઠા વચનો આપવા બદલ ઉપવાસ પર બેસવું જોઈએ. સંસદના બજેટ સત્ર દરમિયાન વિપક્ષે ઘણા ગંભીર મુદ્દા ઉઠાવતા ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી. જેના વિરોધમાં મોદી, ભાજપના તમામ સાંસદો અને ભાજપ પ્રમુખ અમિત શાહ એક દિવસના ઉપવાસ પાળનાર છે.
ઓવૈસીએ જણાવ્યું હતું કે, જો મોદી સંસદનું સત્ર ખોરવવા બદલ ઉપવાસની વાત કરે છે તો હું તેમને પૂછવા માંગું છું કે, તેમણે પોતાની જવાબદારી, પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી તેનું શું, છેલ્લા ચાર વર્ષમાં હજારો ખેડૂતોએ કરેલા આપઘાતનું શું ? મોદી પર વધુ વાક પ્રહારો કરતાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, શું મોદી તે ખેડૂતો માટે ઉપવાસ પર બેસશે ? શું તેઓ ઉત્તરપ્રદેશમાં દલિતો સામે વધતી હિંસાના વિરોધમાં ઉપવાસ પર બેસશે ? શું તેઓ પોતાના જૂઠા વચનો બદલ ઉપવાસ પર બેસશે ?
કઠુઆમાં આઠ વર્ષીય બાળા પર બળાત્કાર અને હત્યાના કેસમાં ભાજપ અને મોદી વલણ સ્પષ્ટ કરે તેવી માગણી પણ ઓવૈસીએ કરી હતી તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કાર્યશૈલીની પણ ટીકા કરી હતી.