(સંવાદ દાતા દ્વારા)
. અમદાવાદ, તા.૨૩
ખેડા જિલ્લાના એક પિતાની જેણે ત્રણ વર્ષની પુત્રી માટે કરેલી હેબિયર્સ કોર્પસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. પત્નીને છુટાછેડા આપ્યા બાદ પુત્રીનો કબજો નીચલી કોર્ટે માતાને સોંપ્યા બાદ પિતાએ પુત્રીનો કબજો મેળવવા માટે કેસ કર્યો હતો. આ કેસ ચાલુ હતો તે દરમિયાન બારોબાર માતાએ પુત્રી અનાથાશ્રમમાં સોંપી દીધી હતી. હાઈકોર્ટે લાપતા બનેલી પુત્રી માટે પિતાએ કરેલી હેબિયર્સ કોર્પસનેએ અવલોકન સાથે ફગાવી હતી કે સરકાર અને અનાથાશ્રમ એ બાળકીને કાયદેસર રીતે દત્તક આપી છે. અરજદારે પોતાની રજૂઆત હતી કે તેણે ૨૦૧૫માં લગ્ન કર્યા હતા જે તેની પત્નીના પરિવારની ઇચ્છા વિરુદ્ધ હતા અને ૨૦૧૬માં તેમના ત્યાં પુત્રનો જન્મ થયો હતો ત્યારબાદ બંને વચ્ચે તકરાર સર્જાતા પુત્રી છ મહિનાની હતી ત્યારે બંને અલગ થયા હતા. પુત્રી છ મહિનાની હોવાથી તેને માતાની જરૂર હતી પરંતુ માતા તેની દેખરેખ માટે તૈયાર ન હોવાથી પિતાને કસ્ટડી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ પત્નીના પરિવારજનોએ તેમની પાસે બળજબરીપૂર્વક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઈન કરાવી પુત્રીની કસ્ટડી લઈ લીધી હતી. પુત્રીની કસ્ટડી પરત મેળવવા આ એમઓયુને તેમણે વિવિધ કોર્ટમાં પડકાર્યા હતા. આ અંગેના કોર્ટ કેસ ચાલી રહ્યા હતા ત્યારે તેના ધ્યાને આવ્યું કે પુત્રી હાલ લાપતા છે. તેથી પિતાએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસની રિટ કરી હતી.આ રિટની સુનાવણીમાં પત્નીએ હાઇકોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તેણે બાળકીને અનાથાશ્રમે આપી છે અને અનાથાશ્રમને બાળકીને અન્ય દંપતીને દત્તક આપી છે. તે પતિની ત્રાસી ચૂકી હોવાથી તેણે છૂટાછેડા લીધા હતા અને પોતે પણ બાળકીના ભરણપોષણ અને ઉછેર માટે સક્ષમ ન હોવાથી તેને અનાથાશ્રમને સોંપી હતી. જેથી અરજદાર પિતાની રજૂઆત હતી કે અનાથાશ્રમ ઉપરાંત બાળકીને દત્તક આપવામાં જોડાયેલા ચાઇલ્ડ વેલ્ફેર કમિટી અને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી સહિતના સરકારી વિભાગોએ કોઇ જાતની ખરાઇ કર્યા વગર બાળકીને સ્વીકારી છે અને તેને દત્તક પણ આપી છે. તેથી બાળકીની કસ્ટડી તેને પરત મળવી જોઇએ. કેન્દ્ર સરકારની સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીની રજૂઆત હતી કે માતાએ કાયદા પ્રમાણે બાળકીની કસ્ટડી અનાથાશ્રમને આપી હતી . ત્યારબાદ ઓથોરિટીએ સંબંધિત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાંથી આદેશ લઇ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ અનુસરી અન્ય દંપતીને દત્તક આપી છે. જેથી અરજદારની હેબિયર્સ કોર્પસની અરજી ટકવાપાત્ર નથી. તમામ પક્ષોની રજૂઆત સાંભળી હાઇકોર્ટે કહ્યું છે કે, બાળકીને દત્તક આપવાની પ્રક્રિયા કાયદેસર છે અને તે કોઇના બંધનમાં હોય તેવું પણ નથી તેથી અરજદાર પિતાની અરજી ફગાવવામાં આવે છે. પુત્રીની કસ્ટડી માટે તે અન્ય સંબંધિત સત્તાક્ષેત્ર સમક્ષ રજૂઆત કરી શકે છે. અહીં લોકચર્ચાનો વિષય એ બન્યો છે કે, જ્યારે માતાને પુત્રીની પડી જ નથી તો પુત્રીની જવાબદારી નિભાવવાની ઈચ્છાશક્તિ ધરાવનાર પિતાને કાનૂની કે માનવતાના ધોરણે કસ્ટડી કેમ આપવામાં ન આવે ??? શું પુત્રીની કસ્ટડીનો કેસ ચાલી રહ્યો અને માતા બારોબાર પુત્રીને દત્તક આપી દે તે કાનૂનની રીતે તો ઠીક માનવતાના ધોરણ યોગ્ય છે ?