(સંવાદદાતા) અમદાવાદ તા૯
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ગુમ થયેલી બન્ને યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો. યુવતીના પિતાએ કરેલી હેબિયસ કોપર્સ અરજીના સંદર્ભમાં હાઇકોર્ટે આદેશ કર્યો હતો અને વધુ સુનાવણી તા. ૧૦મી ડિસેમ્બર પર મુલત્વી રાખી હતી. હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી તેના ચાર બાળક ગુમ થયાનો આક્ષેપ પિતા જનાર્દન શર્માએ કર્યો હતો. આ આક્ષેપના પગલે ચાઇલ્ડ વેલ્ફેર અને પોલીસે કરેલી તપાસમાં શર્મા પરિવારની એક સગીર બાળા અને એક સગીર પુત્ર મળી આવ્યા હતાં, જયારે તેની બે પુખ્ત પુત્રીની ભાળ મળી ન હતી. બાદમાં ડીપીએસ સ્કૂલે આશ્રમને જમીન લીઝ પર આપ્યા સહિતની વિગતો ખુલી હતી અને રાજય સરકારે તપાસ માટે સીટની રચના કરી હતી. દરમિયાન ગુમ થયેલી બે યુવતીના પિતા જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી કરી હતી. હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારી હતી. આ અરજીના પગલે પોલીસ દ્વારા તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો. બન્ને યુવતીએ અત્યાર સુધીમાં ૩૦ વીડિયો જાહેર કર્યાનું પિતાએ જણાવ્યું હતું. વીડિયોના આઇપી ટ્રેસ કરતાં બન્ને યુવતી નેપાળમાં હોવાનું બહાર આવ્યુ હતું. તમામ દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, વીડિયો સાથે કોર્ટને કાંઇ લેવા દેવા નથી. બન્ને યુવતીને કોર્ટમાં રજૂ કરો. વીડિયોમાં આપેલા યુવતીઓના નિવેદનથી કોર્ટ સંતુષ્ટ નથી, તે રૂબરૂ કોર્ટમાં હાજર રહી નિવેદન આપે, ગુમ થયેલી નિત્યનંદિતાએ હાઇકોર્ટ રજીસ્ટરને એફિડેવિટ કરીને મોકલ્યું છે પણ કોર્ટ તેનાથી સંતુષ્ટ નથી. એફિડેવિટ ફોર્મેટમાં નથી તેવુ પણ હાઇકોર્ટે ટાંકયું હતું.