(એજન્સી) તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બ્યુરોક્રેસીમાં એટલે કે નોકરશાહીમાં વ્યાપક સુધારા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય સિવિલ સેવા ક્ષમતા નિર્માણ કાર્યક્રમ તરીકે ઓળખાતા મિશન કર્મયોગીને કારણે સરકારમાં માનવ સંસાધન પ્રબંધન પદ્ધતિમાં ક્રાંતિકારી સુધારા આવશે અને સનદી સેવકોની ક્ષમતાને સુધારવા માટે આધુનિક મૂળભૂત માળખા અને માપદંડનો ઉપયોગ કરવામાં આવશે.
આ મિશન કર્મયોગી યોજનાનો ઉદ્દેશ્ય નિયમો આધારીતથી ભૂમિકા આધારીત તરફ પરીવર્તન લાવવાનો છે.આ મિશન હેઠળ ૪૬ લાખ કેન્દ્રીય કર્મચારીઓને આવરી લેવા માટે ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધીના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રૂા.૫૧૦.૮૬ કરોડ ખર્ચવામાં આવશે. મોદીના મિશન કર્મયોગીથી પરિવર્તન આવશે કે પછી નોકરશાહીને નબળી પાડશે એ અંગે ધ ક્વિન્ટ દ્વારા કેટલાય સેવારત અને નિવૃત્ત બ્યુરોક્રેટ્‌સ તેમજ મહેકમ પરની સંસદીય સ્થાયી સમિતિના એક સભ્ય સહિત કેટલાક રાજકારણીઓનો સંપર્ક કરીને તેમનો મત લેવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં ધ ક્વિન્ટ દ્વારા ૧૯૬૨ની બેચના ઉ.પ્ર.કેડરના આઇએએસ અધિકારી યોગેન્દ્ર નારાયણ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. તેમના દ્વારા આ યોજનાના કેટલાક લાભો દર્શાવવામાં આવ્યાં હતાં. તેમનું કહેવું છે કે સરકારી સેવકોને ઓનલાઇન ટ્રેનિંગ આપવાથી તેની ક્ષમતાનું નિર્માણ થશે. પરંતુ આ યોજનાના કેટલાક ઉધાર પાસાઓ પણ છે જેમ કે યોગેન્દ્ર નારાયણના જણાવ્યા પ્રમાણે તાલીમ માટે સંબંધીત સાહિત્ય એકત્રિત કરવામાં, તાલીમાર્થીઓને ઓળખી કાઢવામાં ઘણો સમય લાગશે.
ડીએએનઆઇસીએસ કેડરના એક નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું કે કેપેસીટી બિલ્ડીંગ કમિશનની જેમ આ એક વધુ કાઉન્સિલની રચનાથી સરકાર જ્યારે લઘુત્તમ સરકારનું વચન આપી રહી છે ત્યારે શું તે વધુ નોકરશાહી તરફ તો દોરી નહીં જાયને ? કેટલાક નિવૃત્ત બ્યુરોક્રેટ્‌સને ક્ષમતા પર પ્રાધાન્ય આપવાના સરકારના નિર્ણય અંગે શંકા પ્રવર્તે છે કારણ કે તેની ઘણી નિમણૂંકો અત્યાર સુધી આ સિદ્ધાંતની વિરુદ્ધ થઇ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય મૂલ્યો પર પ્રાધાન્ય આપવાથી સમસ્યાઓ ઊભી થશે. આ મૂલ્યો ક્યા છે તેની વ્યાખ્યા કોણ નક્કી કરશે ? શું આ મૂલ્યો યુપી, જમ્મુ-કાશ્મીર, મણિપુરમાં સ્વીકાર્ય બનશે ? આ ઉપરાંત આ યોજનામાં કેન્દ્રીકરણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે જેના કારણે રાજ્ય સરકારો અને કેન્દ્ર વચ્ચે સંઘર્ષ ઊભો થશે. આથી મોદીનું મિશન કર્મયોગી નોકરશાહીમાં પરિવર્તન લાવશે કે તેને કમજોર કરશે એ એક મહત્વનો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.