(એજન્સી) મુંબઈ,તા.૭
અભિનેતા શત્રુઘ્ન સિંહાએ સુશાંત રાજપૂતના પ્રશંસકો સમક્ષ પ્રશ્ન કર્યો છે કે શું સુશાંત રાજપૂતનો આત્મા રિયા સાથે કરવામાં આવી રહેલ વર્તન બદલ ખુશ થશે ? રિયાની સી.બી.આઈ., ઈ.ડી. અને એન.સી.બી. સુશાંતના મૃત્યુ બદલ એની પૂછપરછ કરી રહી છે. ગઈકાલે જ્યારે એ એન.સી.બી.ની ઓફિસે પૂછપરછ માટે આવી હતી ત્યારે ટોળાએ એને ધક્કે ચડાવી હતી. સિંહાએ કહ્યું કે હું રિયાને ઓળખતો નથી, પણ એ ખબર પડી છે કે તે સુશાંતની ખૂબ જ નજીક હતી. હું સુશાંતના પ્રશંસકોને પૂછવા માંગું છું કે જે રીતે રિયા સાથે વર્તન કરાઈ રહ્યું છે શું એનાથી સુશાંતનો આત્મા ખુશ થશે ? સિંહાએ બોલીવુડ હંગામા સાથે ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી અને કહ્યું કે કાયદો એની મેળે કામ કરશે. જેઓ આ પ્રકરણ બાબતે પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે એમના માટે સિંહાએ કહ્યું કે, “ મેં નોંધ્યું છે કે એવી ઘણી વ્યક્તિઓ છે જે પોતાના મંતવ્યો આ કેસ બાબતે જણાવે છે. તેમાંથી અમુક લોકો હાલમાં સમાચારોમાં નથી. તેઓ માને છે કે એમને આ કેસ સાથે જોડાવાની ફરી તક મળી છે, આ ખૂબ જ દુઃખદ છે.