(એજન્સી)
નવી દિલ્હી,તા.૨૯
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંમતિ આપી હતી કે કોર્ટ અભ્યાસ કરશે કે શું ધાર્મિક અથવા ભાષાના આધારે જાહેર કરાયેલ લઘુમતી કોમ એમની વસ્તીના આધારે રાજ્યમાં એમની પસંદગી મુજબની સંસ્થા ચલાવી શકે છે કે કેમ ? જસ્ટીસ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની બેન્ચે ભાજપ નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલ જાહેર હિત અરજીના સંદર્ભે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે, અરજીમાં લઘુમતી શિક્ષણ સંસ્થાઓ અધિનિયમ, રાષ્ટ્રીય કમિશનની કલમ ૨ (એફ)ને પડકારવામાં આવી હતી કે આ કલમ હેઠળ કેન્દ્ર સરકારને લઘુમતી કોમ જાહેર કરવા માટે “અવિરત શક્તિ” પ્રદાન કરે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં આ જ પ્રકારની અરજીની સુનાવણી કરવા ઇનકાર કર્યો હતો. જેમાં લઘુમતીની વ્યાખ્યા કરવા માંગણી કરાઈ હતી અને લઘુમતી દરજ્જો મેળવવા રાજ્યવાર વસ્તીના આધારે ખાસ કોમને લઘુમતી જાહેર કરવા માટે ગાઈડલાઈન્સ જારી કરવા માંગણી કરાઈ હતી. કોર્ટે એમને કહ્યું હતું કે તેઓ રાહત મેળવવા માટે યોગ્ય ફોરમ સમક્ષ રજૂઆત કરે. ઉપાધ્યાયે કાયદાની કલમ ૨ (એફ)ની વૈધાનિકતાને પડકાર્યો હતો. જેમાં લઘુમતી સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરવાની જોગવાઈઓ જણાવેલ છે. અરજદાર તરફે વકીલ વિકાસસિંઘ હાજર રહ્યા હતા. એમણે બેંચને જણાવ્યું હતું કે દેશના ૧૦ રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં છે જ્યારે એ જ રાજ્યોમાં મુસ્લિમો અને ક્રિશ્ચિયનોને લઘુમતી કોમ તરીકે જાહેર કરાયેલ છે. અરજદારે જણાવ્યું કે યહુદીઓ, બહાઇઓ અને હિંદુ ધર્મના અનુયાયીઓને શિક્ષણ અને અન્ય સંસ્થાઓ સ્થાપવા અને સંચાલન કરવાના એમના મૂળભૂત અધિકારોથી વંચિત કરે છે. બીજી બાજુ મુસ્લિમો લક્ષ્યદ્વીપમાં ૯૬.૫૮ ટકા, કાશ્મીરમાં ૯૬ ટકા છે જે બહુમતીમાં છે. આ જ રીતે ક્રિશ્ચિયનો નાગાલેન્ડમાં ૮૮.૧૦ ટકા, મિઝોરમમાં ૮૭.૧૬ ટકા અને મેઘાલયમાં ૭૪.૫૯ ટકા છે જે ત્યાં બહુમતીમાં છે. હિંદુઓ લદ્દાખમાં માત્ર ૧ ટકા, મિઝોરમમાં ૨.૭૫ ટકા, લક્ષ્યદ્વીપમાં ૨.૭૭ ટકા, કાશ્મીરમાં ૪ ટકા, નાગાલેન્ડમાં ૮.૭૪ ટકા, મેઘાલયમાં ૧૧.૫૨ ટકા, અરુણાચલ પ્રદેશમાં ૨૯ ટકા, પંજાબમાં ૩૮.૪૯ ટકા અને મણીપુરમાં ૪૧.૨૯ ટકા છે. પણ આ રાજ્યોમાં કેન્દ્રએ એમને લઘુમતી કોમ તરીકે જાહેર નથી કરી. આ રીતે હિન્દુઓને અનુચ્છેદ ૨૯ અને ૩૦નું રક્ષણ નથી મળતું અને તેઓ રાજ્યોમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપી અને સંચાલિત કરી શકતા નથી.