(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
સરહદની સ્થિતિ ‘‘બધા જ જાણે છે’’ તેવા વ્યંગના બીજા દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પૂછ્યું હતું કે, શું લદ્દાખમાં ચીને ભારતીય ક્ષેત્રમાં કબજો કર્યો છે તેની સ્પષ્ટતા કરો. રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર પૂછ્યું હતું કે, ‘‘હવે જો રક્ષામંત્રીની હાથના નિશાન પર ટિપ્પણી થઇ ગઇ હોય તો તેઓ જવાબ આપશે : શું ચીને લદ્દાખમાં ભારતીય ક્ષેત્રમાં કબજો જમાવ્યો છે. સોમવારે રાજનાથસિંહે રાહુલ ગાંધી પર પ્રહાર કરવા માટે ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબની પંક્તિઓનો ઉપયોગ કરીને કહ્યું હતું કે, ‘હાથમાં દુઃખાવો હોય તો કોઇ દવા કરે, પણ જો હાથ પોતે જ દુઃખાવો હોય તો કોઇ શું કરી શકે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીનું નિશાન હાથ છે. રાહુલ ગાંધી અને રાજનાથસિંહ સોમવાર સાંજથી મિર્ઝા ગાલિબની પંક્તિઓના ઉપયોગથી આ મુદ્દે વાત કરી રહ્યા છે અને એકબીજા પર વ્યંગ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાએ સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એવા નિવેદન પર વ્યંગ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, પોતાની સરહદોની સુરક્ષા કરવામાં ભારત મજબૂત છે જ્યારે રાહુલ ગાંધીએ જવાબમાં જણાવ્યું હતું કે, સત્ય નિષ્ક્રીય લાગે છે કારણ કે, દેશની સરહદોની સ્થિતિની વાસ્તવિકતા બધા જ જાણે છે. ગાલિબની પંક્તિમાં ફેરફાર કરતા રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ‘‘સરહદોની સ્થિતિ બધા જ જાણે છે પરંતુ દિલને ખુશ રાખવા શાહ-યદ આ વિચાર સારો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ સંરક્ષણ મંત્રીને સવાલનો જવાબ આપવાનું કહી જણાવ્યું કે, વિપક્ષી પાર્ટીના નિશાનને બદનામ કરવું એ ભારતની સુરક્ષા નથી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી સતત લદ્દાખમાં વધી રહેલી તંગદિલી અંગે કેન્દ્ર સરકારને સવાલ કરી રહ્યા છે.