(એજન્સી) લખનૌ, તા.૧૪
ઉત્તરપ્રદેશમાં ફૂલપુર અને ગોરખપુરમાં મતગણતરી કરવાના ૧રમાં ચરણ બાદ ટેલિવિજન સ્ક્રીન પર દેશની ભાજપા પાર્ટીના કાર્યકર્તાઓના વિલા મોં જોતાં એવું લાગી રહ્યું હતું કે, આવનારા સમયમાં ભાજપાનું ભવિષ્ય જોખમમાં છે. ઉપરાંત ગોરખપુરમાં જે સ્થળે મતગણતરી થઈ રહી હતી ત્યાં કોઈ મીડિયા કર્મીઓને પણ જવા દેવામાં આવ્યા ન હોતા. ચૂંટણી અધિકારીઓએ આ અંગે સ્પષ્ટીકરણ આપતાં કહ્યું કે ચૂંટણી કમિશનની માર્ગદર્શિકા અનુસાર મતગણતરીના સ્થળ પર જ્યારે પ્રેસ ઉપસ્થિત હોય ત્યારે તેમને ઈલેકટ્રોનિક વોટિંગ મશીનની નજીક જવાની પરવાનગી આપવામાં આવતી નથી. ગોરખપુરથી સપાના ઉમેદવાર પ્રવિણકુમાર નિશાદે ઈવીએમ સાથેના ચેડાંઓને નકારતાં કહ્યું છે કે, હું મારા વિજયની બાબતે આત્મવિશ્વાસ ધરાવતો હતો જેવું કે લોકોએ કહ્યું હતું કે સપાનું મહાગઠબંધન આ બેઠક પર વિજય મેળવશે પરંતુ દરેકના મનમાં ઈવીએમને લઈને એક પ્રકારની શંકા હતી કે સરકાર રાજ્યના વહીવટી તંત્રનો ઉપયોગ કરીને કંઈ પણ કરી શકે છે. જો કે, જ્યારે બીજા ચરણમાં મતગણતરી બાદ જે પરિણામ આવ્યું ત્યારબાદ દરેકના મનમાંથી ઈવીએમ અંગેની શંકા દૂર થઈ ગઈ છે. વિપક્ષની કોઈપણ નાની કે મોટી જીત એ હાલ તો ભાજપના વિજય રથને રોકવાના ચિહ્ન સમાન છે. ર૦૧૪ના વિજય બાદ ભાજપ પાસે ઉજવણીનું કારણ પણ હતું. પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષના અમિત શાહના નેતૃત્વ હેઠળ બીજેપીએ મોટાભાગના રાજ્યો પર પણ વિજય મેળવ્યો. પહેલાં દિલ્હી અને પંજાબથી શરૂ થયેલા વિજય બાદ હવે લગભગ ભારતના ૭૦% રાજ્યોમાં માત્ર બીજેપીનો જયજયકાર છે. હાલ તમામ વિપક્ષી દળો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રયત્નોને જોવામાં રસ દાખવી રહ્યા છે કે તેઓ બીજેપી વિરૂદ્ધ એક થવામાં કેવી રીતે પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. કદાચ તે ર૦૧૯ના વર્ષમાં ભવ્ય રાષ્ટ્રીય ગઠબંધન પણ સાબિત થઈ શકે છે અને જીત પણ મેળવી શકે છે. સપા અને બસપા તેમની તમામ શક્તિઓ માત્ર પેટાચૂંટણીમાં જ નથી લગાવી રહી પરંતુ આગામી રાજ્યસભાની ચૂંટણીમાં પણ તેઓ એકબીજાને સમર્થન આપશે.