(એજન્સી) તા.૧૪
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી રૂટિન મેડિકલ ચેકઅપ માટે પોતાના પુત્ર અને કોંગ્રેસના પૂર્વ વડા રાહુલ ગાંધી સાથે ૧૨. સપ્ટે.અમેરિકા જવા રવાના થયા છે. પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના કારણે પ્રવાસ પર પ્રતિબંધના પગલે તેમનું મેડિકલ ચેકઅપ વિલંબમાં પડ્યું હતું.
સોનિયા ગાંધી અમેરિકા જવા રવાના થયા તે પહેલા કોંગ્રેસમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યાં છે. હવે પ્રશ્ન એ છે કે સોનિયા ગાંધી અને રાહુલ બંને હાલ વિદેશમાં હોવાથી પુનર્ગઠિત કોંગ્રેસ મોદી સામે સક્ષમ મુકાબલો કરીને પક્ષ સામેના પડકારોનો સામનો કરી શકશે ? કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મદદ કરવા માટે રચાયેલ સંગઠનની બાબતમાં રચાયેલ છ નેતાઓની સમિતિમાં એ કે એન્ટોની, અહમદ પટેલ, અંબિકા સોની, કે સી વેણુ ગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપસિંહ સૂરજેવાલાનો સમાવેશ થાય છે જ્યારે વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, લુઇ ઝીન્હો ફાલેરિયો, અંબિકા સોની અને મોતીલાલ વોહરાના મહામંત્રી પદેથી પડતાં મૂંકવામાં આવ્યાં છે.
સોનિયા ગાંધીએ પુનર્ગઠન દ્વારા સૌથી મોટી બાબત એ સિદ્ધ કરી છે કે પક્ષમા ંજે અસંતોષનો ચરુ ઉકળી રહ્યો હતો તેના પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. આ પુનર્રચનામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વફાદારો વચ્ચે તેમજ યુવા નેતાઓ અને જૂના જોગીઓ વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું છે. આમ પક્ષને સંગઠિત રાખવામાં અને વિદ્રોહને દબાવી દેવાની દ્રષ્ટિએ આ પુનર્રચના સફળ થઇ હોવાનું જણાય છે. પરંતુ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપ સામે મુકાબલો કરવા માટે કોંગ્રેસને એક પ્રકારના યુદ્ધ માટે તૈયાર કરવામાં આ પુનર્રચના સંપૂર્ણપણે સફળ રહી હોય એવું જણાતું નથી. ૨૩ નેતાઓએ લખેલો પત્ર જાહેર થયા બાદ કોંગ્રેસ કારોબારીની સમિતિમાં સોનિયા ગાંધીએ એક મહત્વનો સંદેશ આપ્યો હતો કે આપણું કામ એક બીજા સામે નહીં પરંતુ મોદી સરકાર સામે લડવાનું છે. આમ સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં કરેલ પુનર્રચનાથી હાલ પૂરતો આંતરિક કલહ શમી ગયો હશે જે બીજો પડકાર હતો. પરંતુ મોદી સરકાર સામે લડવાના પ્રથમ પડકાર માટે આ પુનર્રચના દ્વારા કોઇ જવાબ મળતો નથી. આગામી કેટલાક સપ્તાહ માટે કોંગ્રેસ પાસે સામૂહિક નેતૃત્વ આગળ કરવાની તક છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની અનુપસ્થિતિમાં છ સભ્યોની કોંગ્રેસની સમિતિ કદાચ પક્ષ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શકે છે.
(સૌ. : ધ ક્વિન્ટ.કોમ)
Recent Comments