(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોની હેલ્ધી ફૂડ-ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી દ્વારા થતા ખાન-પાન પ્રત્યેની સજાગતા વધી હોવાનું જણાવતા ઉમેર્યું કે, ખાન-પાન સાથે તંદુરસ્તીનો સીધો સંબંધ છે ત્યારે શુધ્ધ-સાત્વિક હાઈજેનિક ખોરાક-આહારથી જ રોગમુકત સમાજ બનશે. ઈન્ફ્રાસ્ટ્રકચર-સોશિયલ સેકટર, સર્વિસીસ સેકટર, એગ્રીકલ્ચર સેકટરમાં સાર્વત્રિક વિકાસ સાથે અગ્રેસર ગુજરાતની શુદ્ધ હાઈજેનિક હેલ્ધી ફૂડ ખાદ્ય ખોરાકની વિશ્વમાં બ્રાન્ડ ઈમેજ ઉભી કરવાની સરકારની નેમ હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ખાદ્ય ખોરાક ર૦૧૯ પ્રદર્શનને ખુલ્લુ મુકતા જણાવ્યું કે, હવે સમય બદલાયો છે અને લોકોને પોતાની હેલ્થ આરોગ્યની સતત ચિંતા છે. એટલું જ નહી, લોકો હેલ્ધી ફૂડ પ્રત્યે સજાગ થયા છે ત્યારે ગુજરાતની ખાન-પાન ચીજવસ્તુઓ પણ ઓર્ગેનિકથી આગળ વધીને પ્રાકૃતિક ખેત ઉત્પાદન સાથે સાત્વિક અને આરોગ્યપ્રદ બની છે. આપણી આ શુદ્ધતાનું હાઈજેનિક ફૂડનું માર્કેટીંગ ગ્લોબલી થાય તે માટે આવા પ્રદર્શનો ઉપયુકત માધ્યમ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. ખાદ્ય ખોરાક ર૦૧૯ની આ પ્રદર્શની ગાંધીનગરના હેલિપેડ મેદાન ખાતે તા.૧૯થી ૧ર ડિસેમ્બર દરમ્યાન યોજાઈ રહી છે. આ પ્રદર્શનીમાં ૧૧૦૦ જેટલા વિવિધ સ્ટોલ્સમાં ૧ હજારથી વધુ પ્રોડકટસ પ્રદર્શિત થવાની છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ખાન-પાનનો સીધો સંબંધ માનવીની તંદુરસ્તી સાથે જોડાયેલો છે. ત્યારે એવો શુદ્ધ-ચોખ્ખો-સાત્વિક અને હાઈજીન ફૂડ સમાજમાં સૌના પેટનો ખાડો પુરે અને કીડની, લીવર, હૃદયના રોગ, કેન્સર, જેવા રોગનો સામનો ન કરવો પડે તેની તકેદારી પણ એટલી જ આવશ્યક છે. તેમણે ફૂડ ઈન્ડસ્ટ્રી અને હોસ્પિટાલીટી સેકટરમાં આવનારા દિવસોના પડકારો ચેલેન્જીસ સામે નવા ઈનોવેશન્સ નવા આઈડીયાઝથી નયા ભારતના નિર્માણ માટે ફૂડ ઈન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો પ્રદર્શકોને આહવાન કર્યું હતું.