(સંવાદદાતા દ્વારા) મહેસાણા, તા.૭
ગઈકાલે વડનગર સબજેલમાં હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલી મહિલા કેદીએ કરેલા આપઘાતની ઘટનાની ચર્ચાઓ શાંત પડી નથી ત્યાં આજે વડનગર તાલુકાના શેખપુરા પ્રાથનિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકનો મૃતદેહ ગામના અવાવરૂ કૂવામાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર વડનગર તાલુકાના શેખપુર ગામમાં આવેલા અવાવરૂ કૂવામાંથી બુધવારના રોજ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્ર ચલાવી રહેલા સંચાલક ચૌહાણ મહેશભાઈ ભીખાભાઈની લાશ મળી આવતાં હોબાળો સર્જાયો હતો.મૃતકે આપઘાત કરતાં અગાઉ લખેલી ચિઠ્ઠીએ ચોંકાવનારી હકિકતનો ખુલાસો કર્યો છે. મળી આવેલી સ્યુસાઈટ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યા મુજબ મહેશભાઈને છેલ્લા ઘણા સમયથી શાળાના ત્રણ શિક્ષકો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેમના ચા-નાસ્તાનો ખર્ચ તેમના માથે નાંખવામાં આવતો હોવાથી નાણાંની તંગી અનુભવી રહ્યા હોવાથી તેમણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની મળી આવેલી લાશને પગલે મહેસાણા જિલ્લાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોમાં વિરોધનો સૂર ફેલાયો હતો અને લડત સમિતીના પિયુષ વ્યાસે વડનગર પહોંચીને ઘટના પાછળના જવાબદારો સામે પગલાં ભરવા સહિતની ત્રણ માંગણીઓ કરી હતી. આ ઘટનાના વિરોધમાં ગુરુવારે વડનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે.