વાડીનાર, તા.૨૫
જામનગર તાલુકાના ભલસાણ ગામથી વાણીયા ગામ વચ્ચે જામનગરના એક વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી લેતા તેઓનું ટુંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતા શામજીભાઈ માવજીભાઈ કણઝારિયા નામના ૬૨ વર્ષના સતવારા વૃદ્ધે પોતાના સ્કૂટરમાં જામનગર તાલુકાના ભલસાણ ગામથી વાણીયા ગામ તરફના માર્ગ પર પહોંચી કોઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને ત્યાં હાજર વ્યક્તિઓએ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી. આ વૃદ્ધના કબજામાંથી મળેલા મોબાઈલમાંથી નંબર મેળવી તેમના પરિવારને પણ જાણ કરાઈ હતી. સારવાર દરમ્યાન આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર પ્રકાશભાઈ કણઝારીયાએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા પંચકોશી એ ડિવિઝનના જમાદાર જી.પી. ગોસાઈએ મૃતદેહનો કબજો સંભાળી પ્રકાશભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ પિતા શામજીભાઈ તાજેતરમાં શેર બજારમાં બાવીસથી પચ્ચીસ લાખ જેવી રકમ હારી જતા અને તે બાબતે લાગી આવતા ઘરેથી નીકળ્યા પછી ભલસાણવાળા રોડ પર તેઓએ ઝેરી દવા ગટગટાવી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી સીઆરપીસી ૧૭૪ હેઠળ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.