અમદાવાદ,તા.૧૬
શૈક્ષણિક વિકાસની દૃષ્ટિએ ખાસ કરીને ૮ પ્રકારના ઈન્ડિકેટર્સ (દિશાનિર્દેશ) નક્કી કરી શૈક્ષણિક વિકાસની જયાં વધુ જરૂરિયાત છે તેવા અલગ ૧૧પ જિલ્લાઓને ભારત સરકારે ઓળખ કરી અલગ તારવ્યા છે. આ જિલ્લઓ માટે નિયત કરાયેલા ૮ ઈન્ડિકેટર્સમાં (દિશાનિર્દેશ) સંબંધિત રાજયોએ શું કાર્યવાહી કરી છે. તેની સમીક્ષા કરવા કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દેશના તમામ રાજયના શિક્ષણમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. આ વીડિયો કોન્ફરન્સ દરમ્યાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ૮ ઈન્ડિકેટર્સની દૃષ્ટિએ રાજયમાં નર્મદા અને દાહોદ બન્ને જિલ્લાઓને અલગ તારવાયા છે અને આ બંને જિલ્લાઓમાં ૮ પૈકી ૪ ઈન્ડિકેટર્સમાં ૧૦૦ ટકા સિદ્ધિઓ મેળવવામાં આવી છે. આ સિદ્ધિઓમાં ઈલેકટ્રીસિટીની વ્યવસ્થા, પીવાના પાણીની સવલત, વિદ્યાર્થિનીઓ માટે શૌચાલયની વ્યવસ્થા અને જરૂરિયાત મુજબના પાઠયપુસ્તકો પહોંચાડીને તેની પૂર્તતાનો સમાવેશ થાય છે. ચુડાસમાએ એમ પણ જણાવ્યું હતું કે બાકીના લક્ષ્યાંકોની સિદ્ધિ માટે તા.ર૩ જૂન દરમ્યાન બન્ને જિલ્લાઓમાં મંત્રી ઉપરાંત કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં સઘન ફોલોઅપ કરવામાં આવ્યું હતું.