(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૯
જુના પાદરા રોડ આવિષ્કાર બિલ્ડીંગ પાસે ગૌરી હાઉસના બીજા માળે આઇઆઇટી અને જેઇઇની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તૈયારી કરવા અંગેનું શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થામાં અચાનક ભભુકી ઉઠેલી આગથી લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું. શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી.
ફાયર બ્રિગેડ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જુના પાદરા રોડ આવિષ્કાર બિલ્ડીંગ નજીક ગૌરી હાઉસના બીજા માળે આઇઆઇટી અને જેઇઇની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુરતુ માર્ગદર્શન અને તેની તૈયારીઓ કરાવતી શૈક્ષણિક સંસ્થા આવેલી છે.
ગત મોડીરાત્રે પોણા એક વાગ્યાના સુમારે બંધ ઓફીસમાં અચાનક આગે દેખા દીધી હતી. આગનાં બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સંદેશો મળતા ફાયર ફાઇટરો સાથે લાશ્કરોની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી. ગૌરી હાઉસના બીજા માળે આવેલી બંધ ઓફીસમાં લાગેલી આગને બુઝાવવા લાશ્કરોએ પાણીમારો શરૂ કર્યો હતો. એ.સી., ફર્નિચર તથા અન્ય સાધન સામગ્રી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી અંગેનું મટીરીયલ્સ સહિત અન્ય ચીજવસ્તુઓ આગની જવાળાઓમાં લપેટાઇ ગઇ હતી. તેના કારણે આગ વધુ પ્રસરી હતી.લાશ્કરોએ પાણીમારો જારી રાખ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ બુઝાવી દેવામાં આવી હતી. આગથી લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.