વેબિનારના માધ્યમથી અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ઓફ ઈન્ડિયન ઓરીજીન (આફમી)નું ૩૦મું વાર્ષિક સંમેલન યોજાયું : કોરોનાને કારણે ભારતમાં હવે આગામી વર્ષે કોન્ફરન્સ યોજાશે
શિક્ષણ, રાજકારણ, યુવા અને મહિલાઓના ઉત્થાન, માનવ અધિકારો, હિન્દુત્વ અને હિન્દુવાદ વચ્ચેના અંતર, આંતરધર્મીય સંવાદ વગેરે જેવા મુદ્દે મહાનુભાવોએ વ્યક્ત કરેલા વિચારો : ટૂંક સમયમાં આ
કાર્યક્રમનો વીડિયો ફેસબુક અને યુ-ટયુબ પર જોવા મળશે
નવી દિલ્હી, તા.૨ર
અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ઓફ ઈન્ડિયન ઓરીજીન (આફમી)નું ૩૦મું વાર્ષિક સંમેલન યોજાયું હતું. વેબિનારના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભારત, અમેરિકા અને સઉદી અરેબિયાથી વક્તાઓ જોડાયા હતા. જેમને વિશ્વભરના લોકોએ સાંભળ્યા હતા. છ કલાક ચાલેલા આ કાર્યક્રમમાં ત્રણ સેશન યોજાયા હતા. આ કોન્ફરન્સમાં ૧૯ વક્તાઓએ બે દિવસ સુધી સલામતી, શક્તિ અને એકતા પર વાત કરી હતી. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડોકટર મુસ્તફા ફૈઝાન (ભારત), ડોકટર ખાલેદ અલ-માયેના (સઉદી અરેબિયા), ડોકટર સના કુતબુદ્દીન (ન્યુયોર્ક), નજમે મિનહાજ (કેનેડા), સુનિતા વિશ્વનાથ ( ન્યુયોર્ક), જુલિયા શેરસોન (ઓહિયો), ડોકટર અસલમ અબ્દુલ્લાહ ( કેનેડા), આયેશા રેના (ભારત), ડોકટર ફાતિમા અહેમદ (મિયામી), ડોકટર મરિયમ અહેમદ (વર્જિનિયા), ડોકટર મોહમ્મદ સહાબુદ્દીન (ઈલ્યોન્સ), પ્રોફેસર નાદિયા અહેમદ, બાબુભાઈ ખલફાન, સેબા પટેલ (ન્યુયોર્ક) અને કોંગ્રેસવુમન રશિદા તાલિબ (મિયામી) જોડાયા હતા. આફમી વક્તાઓમાં ડોકટર ફરિદા એજાઝ (પ્રમુખ, આફમી કન્વેશન), ડોકટર અબ્દુર રહેમાન નાકાદાર (સ્થાપક ટ્રસ્ટી), ડોકટર અકબર મોહમ્મદ (પ્રમુખ, આફમી), ડોકટર સનાઉલ્લાંહખાન, સઈદ પટેલ અને ડોકટર અસલમ અબ્દુલ્લાહનો સમાવેશ થાય છે. આફમીના પૂર્વ પ્રમુખ ઐયુબખાન તરફથી મળેલા માર્ગદર્શન હેઠળ મેનેજમાયસિસ્ટમ.કોમના રાબિયાખાને આ સંમેલનની રૂપરેખા ઘડી હતી. આ કાર્યક્રમ ટૂંક સમયમાં ફેસબુક અને યુ-ટયુબ પર જોઈ શકાશે. વક્તાઓએ વિષય-વસ્તુ પ્રમાણે પાંચ મુખ્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં શૈક્ષણિક ઉત્થાન, માનવ અધિકારો, યુવા અને મહિલા સશક્તિકરણ, આંતરધર્મીય મંત્રણા તથા રાજકીય હિસ્સેદારીનો સમાવેશ થાય છે. ડોકટર ખાલિદે શૈક્ષણિક ઉત્થાન, વિજ્ઞાન, ટેકનોલોજી અને સ્પોર્ટસ જેવા માધ્યમો દ્વારા મુસ્લિમોમાં વિચારીક પરિવર્તન લાવવાની વાત કરી હતી. ડોકટર ફૈઝાન મુસ્તફાએ એ વાતને નકારી કાઢી હતી કે, હિન્દુત્વના ઉદય માટે મુસ્લિમો જવાબદાર છે. તેમણે યુવા પેઢીને શિક્ષણ પર ભાર આપવાનો અનુરોધ કર્યો હતો. ડોકટર સના કુત્બુદ્દીને ભારતમાં અને અમેરિકામાં હિન્દુત્વ દળોની જવાબદારી અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે આવી તાકતોને દૂર રાખવા અને તેમને ખુલ્લા પાડવા લોકશાહીમાં વિશ્વાસ ધરાવતાં સંગઠનો સાથે કામ કરવાની હાકલ કરી હતી. ડોકટર નજમે મિનહાજે શિક્ષણને પ્રાથમિકતા આપવા હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના જીવનનો સંદર્ભ લેવાની વાત કરી હતી.
આ કાર્યક્રમમાં સુનિતા વિશ્વનાથે હિન્દુત્વ અને હિન્દુવાદ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોદી અને આરએસએસના નેતૃત્વમાં હિન્દુત્વ દળો હિન્દુવાદના પાયાના “વિશ્વ કુટુંબ”ના સિદ્ધાંતને તોડી રહ્યાં છે. જુલિયા શેરસને આંતરધર્મના સ્વરૂપ અંગે સમજ આપવા સાથે ધાર્મિક સમુદાયો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચના અંગે વાત કરી હતી. ડોકટર અસલમ અબ્દુલ્લાહે માનવ અધિકારો અંગેની વિસ્તૃત સમજ આપી હતી. આયેશા રેનાએ યુવા સશક્તિકરણ અંગે વાત કરી હતી. ડોકટર ફાતિમા અહેમદ અને ડોકટર મરિયમ અહેમદે પોતાના સંયુક્ત પ્રવચનમાં યુવા લોકોને આફમી સાથે જોડાવાની અપીલ કરી હતી. પોતાના પ્રેરણાદાયક ભાષણમાં ડોકટર મોહમ્મદ શાહબુદ્દીને શિક્ષિત ભારતીય મુસ્લિમ સમુદાય માટે બલિદાન અને કટિબદ્ધતાનું આહ્વાન કર્યું હતું. પ્રોફેસર નાદિયા અહેમદે મુસ્લિમોને અનુરોધ કર્યો હતો કે, તેઓ રાજકીય ચૂંટણીઓમાં વધુથી વધુ ભાગ લે અને અનિવાર્યપણે મત આપે. બાબુભાઈ ખલફાને યુવા મુસ્લિમોને ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરણા આપતાં પોતાના પુસ્તકનો પરિચય આપ્યો હતો. જર્નાલિઝમ સ્નાતક કરનારા યુવા સેબા પટેલે જીવનના તમામ ભાગોમાં મહિલાઓની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. કોંગ્રેસવુમન રશિદા તાલિબે માનવ અધિકારો માટે પોતાના સતત યોગદાનની ખાતરી આપી હતી. ડોકટર ફરિદા એજાઝ, ડોકટર અકબર મુહમ્મદ, ડોકટર નાકાદાર અને ડોકટર સનાઉલ્લાહે ભારતીય મુસ્લિમોમાં સાક્ષરતા દર ૧૦૦ સુધી પહોંચાડવામાં આફમીએ ભજવેલી ભૂમિકા અંગે વિગતવાર વાત કરી હતી. તેઓએ ભારતના મુસ્લિમોનું ગૌરવ બચાવવા, માનવ અધિકારોનું રક્ષણ, આંતરધર્મીય મંત્રણા તથા સામાજીક કામોમાં યુવા અને મહિલાઓના સશક્તિકરણ અંગે વાત કરી હતી. ડોકટર નાકાદારે એક કહેવતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સશક્તિકરણ એ અન્ય તમામ સશક્તિકરણની માતા છે, પછી ભલે તે અર્થતંત્ર, સમાજ કે રાજકીય ક્ષેત્ર હોય. આફમી દ્વારા વર્ષમાં બે વખત મોટા સંમેલનો યોજાય છે. એક સંમેલન અમેરિકામાં અને એક સંમેલન ભારતમાં યોજવામાં આવે છે. આ વર્ષે ઓહિયોના ક્લિવલેન્ડમાં આ સંમેલન યોજાવાની શક્યતા હતી પણ કોરોના સંક્રમણને કારણે કમિટીએ ઓનલાઈન કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું હતું. આ વર્ષે ભારતમાં પણ કોરોનાનો કહેર હોવાને કારણે હવે આગામી વર્ષે સંમેલન યોજાશે.
Recent Comments