અમદાવાદ, તા.૬
સેમેસ્ટર પ્રથા અંગે પુનર્વિચાર કરવા માટે શિક્ષણમંત્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી રહી છે ત્યારે ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ઓલ ઈન્ડિયા ડી.એસ.ઓ.) દ્વારા શરૂઆતથી જ સેમેસ્ટર પ્રથાની નિષ્ફળતા અંગે વારંવાર અનેક કાર્યક્રમો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે ઓલ ઈન્ડિયા ડી.એસ.ઓ. દ્વારા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર મોકલીને માંગ કરાઈ છે કે સેમેસ્ટર પ્રથાને રદ કરવાનો નિર્ણય તાત્કાલિક કરવામાં આવે.
અખબારી અહેવાલોના આધારે જાણવા મળેલ તે મુજબ શિક્ષણમંત્રી દ્વારા સેમેસ્ટર પદ્ધતિમાં રહેલી ત્રુટિઓ સુધારવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે સેમેસ્ટર પ્રથા જલ્દી નાબૂદ થાય અને ગુજરાતમાં શિક્ષણની કથળી હાલતને સુધારી શકાય. સેમેસ્ટર પ્રથાને કારણે અનેક ગણો આર્થિક બોજો વધવાની સાથે જરૂરી માળખાકીય સુવિધાના અભાવને કારણે તથા સેમેસ્ટર પ્રથાને કારણે ગુજરાતમાં શૈક્ષણિક સ્તર સાવ તળિયે ગયું છે. સેમેસ્ટર પ્રથા અંગે ઓલ ઈન્ડિયા ડી.એસ.ઓ. દ્વારા રાજ્યભરની તમામ સરકારી યુનિવર્સિટીના પ૦૦૦ વિદ્યાર્થીઓને સાંકળી લેતો એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમ એવી વિગતો સામે આવી છે જે સેમેસ્ટર પ્રથાને રદ કરવાનું સૂચવી જાય છે. ૮૭.૮૬ ટકા લોકોનું કહેવું છે કે સેમેસ્ટર પ્રથા લાગુ થયા પછી તેઓનો ખર્ચ વધ્યો છે તથા ૮ર.૦૯ ટકા વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમને ભણવાના પૂરતા દિવસો નથી મળતા, ૭૯ ટકા વિદ્યાર્થીઓએ પણ કહ્યું છે કે તેમને સમયસર અભ્યાસક્રમ કે પુસ્તકો નથી મળતા, તથા જ્યારે ૮૪ ટકા વિદ્યાર્થીઓનું માનવું છે કે એસાઈન્મેન્ટ, પ્રોજેક્ટ વર્ક, સેમિનાર વગેરેના કારણે તેમનો આર્થિક બોજ વધ્યો છે ત્યારે પ૬.૬ર ટકા વિદ્યાર્થીઓ માને છે કે આ બધાથી તેમને કોઈ જ્ઞાન મળતું નથી, ૮૦ ટકા વિદ્યાર્થીઓ એમ માને છે કે આ સેમેસ્ટર પ્રથાને કારણે તેમનું માનસિક ભારણ વધે છે. ૭૦ ટકા વિદ્યાર્થીઓ એમ માને છે કે સેમેસ્ટર પ્રથા દાખલ થયા બાદ શિક્ષણનું સ્તર કથળ્યું છે. આમ સર્વેના આ પરિણામો સેમેસ્ટર પ્રથાની નિષ્ફળતા છતી કરે છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા પણ ઓલ ઈન્ડિયા ડી.એસ.ઓ.એ શિક્ષણમંત્રી પાસે સમય પણ માંગ્યો છે. આમ સેમેસ્ટર પ્રથા રદ થાય તે માટે ઓલ ઈન્ડિયા ડી.એસ.ઓ.એ શરૂઆતથી જ કમરકસી છે એમ ગુજરાત રાજ્ય સમિતિના સેક્રેટરી રિમ્મી વાઘેલાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
શૈક્ષણિક સ્તરને તળિયે લઈ જનાર સેમેસ્ટર પ્રથા તાત્કાલિક રદ કરો

Recent Comments