(એજન્સી)             તા.૨૦

જેમાં રાજૌરીના ત્રણ યુવાનો માર્યા ગયાં હતાં એ ૧૮,જુલાઇના શોપિયાં એન્કાઉન્ટર દરમિયાન સશસ્ત્ર દળોએ આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ પાવર્સ એક્ટ (અફ્સ્પા) હેઠળ પ્રાપ્ત સત્તાઓની ઉપરવટ જઇને સશસ્ત્ર દળોએ આ કૃત્ય કર્યુ છે એવાં પ્રથમદર્શીય પુરાવા મળ્યાં છે એવા સૈન્યના નિવેદનની પ્રતિક્રિયા આપતાં માર્યા ગયેલા યુવાનના પરિવારજનોએ સૈન્યના આ નિવેદનની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે અમારા બાળકોની નિર્દોષતા સામે હવે કોઇ સવાલ નહીં ઉઠાવે. પરિવારજનોએ ત્રણેય યુવાનોના મૃતદેહો સોંપવા માટે માગણી કરી છે. અમને તો પહેલેથી જ ખબર હતી કે માર્યા ગયેલા યુવાનો અમારા બાળકો છે. તેમની નિર્દોષતા સામે કોઇ સવાલ નહીં ઉઠાવે એવું મૃતક મોહમદ અબરારના પિતરાઇ ભાઇ સલીમે જણાવ્યું હતું.તેણે ઉમેર્યુ હતું કે અમારી માગણી છે કે જેમણે તેમની હત્યા કરી છે તેમને ફાંસીએ લટકાવી દેવા જોઇએ અને અમારા બાળકોના મૃતદેહો સત્વરે અમારા હવાલે કરવા જોઇએ. સૈન્યએ શુક્રવારે કબુલ્યું હતું કે ૧૮,જુલાઇના રોજ આમિશીપોરામાં શોપિયા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ ત્રણ અજાણ્યા આતંકીઓ વાસ્તવમાં લાપત્તા થયેલા ત્રણ શ્રમિકો-ઇમ્તિયાઝ અહેમદ, અબ્રાર અહેમદ અને મોહમદ ઇબ્રારે હતાં. સૈન્યએ એવું પણ જણાવ્યું હતું કે તપાસ દ્વારા પ્રથમદર્શીય રીતે એવું બહાર આવ્યું છે કે આર્મીએ અફ્સ્પા ૧૯૯૦ હેઠળ પોતાને પ્રાપ્ત સત્તાઓની ઉપરવટ જઇને કામ કર્યુ છે. તેમણે જવાબદાર વિરૂદ્ધ આર્મી એક્ટ સામે કડક શિસ્તભંગ પગલા લેવા આદેશ કર્યો છે. શોપિયાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ ત્રણ શખ્સો રાજૌરીના લાપત્તા યુવાનો છે એવું આર્મીએ કબૂલ કર્યા બાદ પરિવારજનોએ જણાવ્યું કે હવે અમારા બાળકોની નિર્દોષતા સામે કોઇ સવાલ નહીં ઉઠાવે.