(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૨
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં થયેલા ગોળીબાર કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૦ ગઢવાલ રાઇફલ્સને મેજર આદિત્યકુમાર વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી પર આગામી સુનાવણી સુધી રોક લગાવી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે નોટિસ જારી બે સપ્તાહમાં જવાબ માગ્યો છે. હવે એ જોવાનુ રસપ્રદ રહેશે કે, આ કેસમાં મોદી અને મહેબૂબા સરકાર શું જવાબ આપે છે કારણ કે સેના પર ફરિયાદ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારોનુ વલણ જુદું છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશમીરના શોપિયાંમાં ફાયરિંગ કેસમાં મેજર આદિત્યકુમાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મેજર આદિત્યકુમારના પિતા નિવૃત્ત લેફ્ટિનેન્ટ કર્નલ કરમવીરસિંહે સેના વિરૂદ્ધ ફરિયાદને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે જે અંગે આજે સુપ્રીમે રોક લગાવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી બેંચ સામે અરજકર્તાના વકીલ ઐશ્વર્યા ભાટી તરફથી દલીલ કરવામાં આવી હતી કે, શોપિયાંમાં ગોળીબારની ઘટના અંગે મેજર આદિત્યકુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધવી ગેરકાયદે છે. કેસને ફગાવવાની માગ કરતા આદિત્યના પિતાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે દાવોકર્યો છે કે, ગઢવાલ રાઇફલ્સમાં તેમના પુત્રને ફરિયાદમાં ખોટી રીતે સામેલ કરવામાં આવ્યો છે. સેનાના કાફલા પર હુમલો કરતા ટોળાએ ઘણી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. તેમના પુત્રનો ઇરાદો સેનાની સંપત્તિ બચાવવાનો હતો. તેણે ટોળાને કહ્યું હતું કે સંપત્તિને નુકસાન ન પહોંચાડે અને સેનાના કામમાં અવરોધ ઊભા ન કરે. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતા સેનાએ ચેતવણી જારી કરી હતી. એક જુનિયર અધિકારીને ટોળાએ પકડી લીધો હતો અને તેને માર મારી રહ્યા હતા તે સમયે ચેતવણીમાં ગોળીબાર કરાયો હતો. ૨૭મી જાન્યુઆરીએ શોપિયાંના ગનોવપોરા ગામમાં પથ્થરમારો કરતા ટોળા પર સેનાએ ગોળીબાર કરતા બે નાગરિકો મોતને ભેટ્યા હતા. જે બાદ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. મેજર આદિત્યકુમાર સહિત સેનાના ૧૦ જવાનો વિરૂદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી.