(એજન્સી) તા.ર
ગુરૂવારે શોપિયાનના દારામદૂર ગામમાં શાદાબાનો નામની એક મહિલાએ તેના ૧૦ વર્ષીય પુત્રના જનાઝાને કબ્રસ્તાન સુધી ખભા પર ઊંચક્યો હતો. એક અઠવાડિયા પહેલાં તેણીનો પુત્ર મુશર્રફ કે જે ૬ ધોરણનો વિદ્યાર્થી હતો. તે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરના સ્થળેથી એક જીવિત બોંબ તેના ઘરે ઉઠાવી લાવ્યો હતો. જ્યારે તે બોંબથી રમી રહ્યો હતો ત્યારે તેના હાથમાં બોંબ વિસ્ફોટ થયો હતો.
પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે ચોએગુન્દ-અદુ ગામમાં કે જ્યાં કલનપીરાના શાકીર અહેમદ નામના ટીનએજ છોકરાનું સુરક્ષા દળો દ્વારા કરાયેલા ફાયરિંગમાં મૃત્યુ થયું હતું ત્યાંથી મુશર્રફ જીવિત બોંબ ઉપાડી લાવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા બે આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરક્ષા દળો દ્વારા કરાયેલી ફાયરિંગમાં બે મહિલાઓ પણ ઘાયલ થઈ હતી જેમાં ઠાર કરાયેલા એક આતંકવાદીની બહેન પણ છે. બંને મહિલાઓને શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિઝમાં સારવાર આપવામાં આવી રહી છે.
દારામદુરમાં પણ હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે મુશર્રફના શબને કબ્રસ્તાન તરફ લઈ જવામાં આવતું હતું ત્યારે ઘણી સ્ત્રીઓ બેભાન થઈ ગઈ હતી અને કેટલીક આક્રંદ કરતી હતી. અબ્દુલ સલામ નામના પપ વર્ષીય ગ્રામવાસીએ કહ્યું હતું કે જ્યારે મેં વિસ્ફોટનું અવાજ સાંભળ્યું ત્યારે હું ધાભા પર હતો. હું તરત જ ઘર તરફ ધસી ગયો, મેં વિચાર્યું કે આ એલપીજી સિલિન્ડરનો વિસ્ફોટ છે પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે બાળક જમીન પર પડ્યો હતો અને અન્ય બાળકો તેની આસપાસ રડતા હતા.
મૃતક બાળક માટે શોકાતૂર લોકોએ બે વખત જનાઝાની નમાઝ પઢી હતી. અલગાવવાદી નેતાઓ દ્વારા કેટલાક ભાષણો પણ કરવામાં આવ્યા હતા. મુશર્રફના સહાધ્યાયીઓ સહિત ઘણાં બધા બાળકો પણ તેના માટે વિલાપ કરતા હતા.
પરિવારના નજીકના સગાસંબંધીઓએ જણાવ્યું હતું કે મુશર્રફ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. મુશર્રફની ૧૩ અને ૬ વર્ષની બે બહેનો છે. ગામના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે મૃતક બાળકના પિતા અહેમદ નજર વ્યવસાયે સુથાર છે.
મુશર્રફના સહાધ્યાયીઓ અને શિક્ષકોએ કહ્યું હતું કે તે નાત મુખપાઠ કરવા માટે પ્રખ્યાત હતો. મંજૂર અહેમદ નામના શિક્ષકે કહ્યું હતું કે તેનો અવાજ કર્ણપ્રિય હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટના કારણે મુશર્રફનો હાથ છૂટો પડી ગયો હતો અને તેના ચહેરાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિઝ કે જ્યાં મુશર્રફ રપ જાન્યુઆરીથી ક્રિટિકલ કેર યુનિટમાં હતો તેના ડોક્ટરો મુજબ મુશર્રફના મગજને ઘણું નુકસાન થયું હતું.
હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈયદ અલી ગિલાનીએ ૧૩ મિનિટના ફોન દ્વારા શોકાતુર લોકોને સંબોધિત કર્યા હતા. એક શીખ નેતા કે જેમને સ્થાનિકો દ્વારા દેવીન્દરસિંહ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે પણ હાજર રહેલા લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારતે નિર્દોષ લોકોની હત્યાઓ રોકવી જોઈએ અને આફસ્પા (આર્મડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ) જેવા કાળા કાયદાઓને કાશ્મીરમાંથી હટાવવા જોઈએ.
શોપિયાનનાં સિનિયર પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ અંબારકર શ્રીરામ દિનકરે કહ્યું હતું કે છોકરાનું મૃત્યુ દુઃખદ છે. કેટલીક જગ્યાઓ પર જીવિત બોંબ હોવાની સંભાવના રહેલી છે કારણ કે આતંકવાદીઓ દ્વારા પણ આવા બોંબનો ઉપયોગ થાય છે. અમે હંમેશા લોકોને એવી સલાહ આપીએ છીએ કે તેઓ એન્કાઉન્ટર સ્થળની નજીક ન જાય. અમારી જાનના જોખમ વડે અમે એન્કાઉન્ટર સ્થળેથી વિસ્ફોટકોને સાફ કરીએ છીએ. જે આવા સ્થળો સાફ કરે છે તેમના પર પથ્થરમારાનો પણ જોખમ હોય છે.
ઉલ્લેખનીય છે કે શોપિયાનમાં સળંગ આઠ દિવસથી સંપૂર્ણ બંધ પાડવામાં આવી રહ્યો છે. બધી દુકાનો, વ્યાપાર-ધંધાઓ, સરકારી અને ખાનગી ઓફિસો બંધ છે જ્યારે વાહનવ્યવહાર પણ બંધ છે.