(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
અલથાણ ખોડીયાર નગર સોસાયટી પાસે કોમ્યુનિટી હોલમાં સોશ્યલ ડિસ્ટન્સની સાથે ૩થી ૪ હજાર શ્રમિકોને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા બે ટાઇમનું ભોજન આપવામાં આવતું હતું. પરંતુ આઝાદ નગરમાં પોઝિટિવ કેસ મળી આવતા ત્યાંના લોકો આ કોમ્યુનિટી હોલમાં ભોજન લેવા આવતા હોવાની શકયતાના આધારે તંત્ર દ્વારા આ ભોજન કેન્દ્ર બંધ કરતા શ્રમિકોની હાલત કફોડી બની છે. શ્રમિકોને વતન મોકલવાની કે બે ટાઇમ ભોજનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં વિવિધ ભોજન કેન્દ્રો પરથી લગભગ ૮ લાખથી વધુ લોકોને ભોજન સુરત મહાનગર પાલિકા, એનજીઓ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા પુરૂ પાડવામાં આવી રહ્યાં છે. પરંતુ ભોજન વિતરણની કામગીરી કરનારાઓમાં પણ પોઝીટીવ દર્દી મળી આવતા સુરત મહાનગર પાલિકા દ્વારા ભોજન કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે ભટાર આઝાદ નગર રોડ પર એક કેસ મળી આવતા પાલિકા દ્વારા અલથાણ રોડ ખોડીયાર નગર સોસાયટીમાં ૩થી ૪ હજાર શ્રમિકોને અપાતું ભોજન બંધ કરાતા તેઓમાં રોષ ફાટી નિકળ્યો છે. શ્રમિકોએ સુરત મહાનગર પાલિકા સુધી પોતાનો અવાજ અને રજુઆત પહોચે તે માટે મીડિયાનો સહારો લીધો હતો. ત્યાંથી લોકો અહીં ખોડીયાર નગરમાં ભોજન લેવા માટે આવતા હોવાના કારણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ ખોડીયાર નગર સોસાયટીમાં ૩થી ૪ હજાર શ્રમજીવી પરિવાર રહે છે. તેઓને ભોજન ન મળતાં તેઓએ અપીલ કરી છે કે તેઓને વતન મોકલવામાં આવે અથવા તો ભોજનની બે ટાઇમની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કર્યો છે.