(એજન્સી) નવી દિલ્હી, તા.૧
દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના બુધવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શ્રીના અંતિમ સંસ્કાર બાદ તેમના ટ્વીટર પેજ પર પતિ બોની કપૂર દ્વારા એક સંદેશ જારી કરવામાં આવ્યો છે. બોનીએ શ્રીના નિધન બાદ પહેલીવાર પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું છે કે શ્રીદેવીનું તેમના જીવનમાં કેટલું મહત્ત્વ હતું.
ટ્વીટર પર શેર કરેલા લાંબા પત્રમાં બોની લખે છે કે એક મિત્ર, પત્ની અને બે યુવા દીકરીઓની માતાને ખોવાનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું મારા મિત્રો પરિવાર, સહયોગીઓ, શુભચિંતક અને અગણિત ચાહકોનો આભાર વ્યક્ત કરૂં છું. જેઓ આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહ્યા. હું ભાગ્યશાળી છું કે મને અર્જુન અને અંશુલાનું સમર્થન અને પ્રેમ મળ્યો. તેઓ સ્તંભની જેમ મારી તાકાત બન્યા, જાહ્નવી અને ખુશીની સાથે ઊભા રહ્યા. એક પરિવાર તરીકે અમે આ અસહ્ય ઘટનાને સહન કરવાની કોશિશ કરી છે.
બોની કહે છે દુનિયા માટે તે તેમની ‘ચાંદની’ હતી, દિગ્ગજ અભિનેત્રી હતી, તેમની શ્રીદેવી હતી. પરંતુ મારા માટે મારો પ્રેમ હતો, મારી મિત્ર, મારી દીકરીઓની માતા અને મારી જીવનસંગિની મારી દીકરીઓ માટેે તે બધું જ અને તેમની જિંદગી હતી. તે ઘરી હતી. જેની આસપાસ અમારો પરિવાર ચાલતો હતો. મારી દરેકને વિનંતી છે કે અમારી ગોપનિયતાની જરૂરિયાતોનું સન્માન કરે અને અમને દુઃખ વ્યક્ત કરવા દે.
બોનીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે હવે તેમની બંને દીકરીઓનું ધ્યાન કોણ રાખશે ? હવે શ્રી વગર તે બંને પોતાનો આગળનો માર્ગ કેવી રીતે શોધશે ? તેમને જિંદગી જીવવાની અને હસવાની તાકાત કેવી રીતે મળશે ? પત્રના અંતમાં બોની લખે છે કે ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે. અમારી જિદંગી તેમના વગર હંમેશા અધૂરી રહેશે.
શ્રીદેવીના નિધન બાદ પહેલીવાર બોનીએ તોડ્યું મૌન : પત્રમાં વ્યક્ત કર્યું દુઃખ

Recent Comments