(એજન્સી) તા.૧૨
૨૮ વર્ષના સાનિયાસ્નેન ચીલુ માટે જૂના પુસ્તકોની સ્મેલ એ પરફ્યુમ જેવી તેમને અનુભૂતિ કરાવે છે કારણ કે સાનિયાસ્નેન પુસ્તકોને સમર્પિત છે. કાશ્મીરમાં સૌથી જૂના બુક સ્ટોર બેસ્ટ સેલરના માલિક વિશ્વભરમાંથી નવા અને જૂના પુસ્તકોનો સૌથી મોટો સંગ્રહ ધરાવે છે અને તેઓ ભારે વળતર સાથે તેનું વેચાણ કરે છે.
આ સ્ટોરની વિશિષ્ટતા એ છે અહીં તમામ માટે પુસ્તકો ઉપલબ્ધ છે. જે લોકોને પુસ્તક ખરીદવા પરવડે તેમ નથી. તેમને વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવે છે. સાનિયાસ્નેન કહે છે કે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારથી મારા પિતાને પુસ્તકો એકત્ર કરતાં જોતો હતો, લાલચોકના ક્લોક ટાવરથી સાવ નજીક અને મિશનરી શાળા સામે આવેલ ઇમારતમાં એક સમયે હોટલ હતી, પરંતુ હવે સમય બદલાઇ ગયો છે અને હવે બુક શોપનું કેન્દ્ર બની ગઇ છે.
હજુ હમણા સુધી બહુ ગણ્યાં ગાઠ્યાં વયોવૃદ્ધો આ વર્કશોપની મુલાકાત લેતાં હતાં પરંતુ હવેે અલગ ચિત્ર જોવા મળે છે. ૨૦૧૭માં સાના ઉલ્લાહના પુત્ર સાનિયાસ્નેને આ દુકાનનો હવાલો સંભાળ્યો અને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો ત્યાર બાદ માહોલ બદલાઇ ગયો છે. અહીં વયોવૃદ્ધ અને યુવાન પુસ્તક પ્રેમીઓ એક બીજા સાથે મળે છે. એક બાજુ ધાર્મિક સ્થળના પવિત્ર ગર્ભગૃહની જેમ ધાર્મિક પુસ્તકોનો ખાસ કરીને તમામ પ્રકારના ઇસ્લામિક સાહિત્ય રાખવામાં આવ્યાં છે. બીજી બાજુ બાળકોના પુસ્તકનો વિભાગ છે જ્યારે યુવાનો જેફરી આર્ચર, અરુંધતી રોય જેવા લોકપ્રિય લેખકોની નવલકથાઓ પર નજર નાખે છે. કાશ્મીરી લેખકોના અદ્યતન પુસ્તકો જેવા કે શબીર અહમદ મીરનું પુસ્તક ‘પ્લેગ અપોન અસ’ પણ જોવા મળે છે.
આમ શ્રીનગરમાં આ એક નાનકડા પરંતુ એક પરિવાર સંચાલિત સ્ટોરે પુસ્તક પ્રેમીઓના દિલ જીતી લીધાં છે. આ બુક સ્ટોર માત્ર ભારે વળતર જ નથી આપતો પરંતુ તેમાં કાશ્મીર ખીણમાં અન્યત્ર ક્યાંય મળે નહીં એવા અલભ્ય પુસ્તકો પણ છે. સાનિયાસ્નેન જણાવે છે કે હું ઊગતા લેખકો દ્વારા લિખીત પુસ્તકોમાંથી નફો કરતો નથી કે જેથી તેમનું નૈતિક બળ અકબંધ રહે.