(એજન્સી) તા.૧૬
શ્રીનગરના મેયર જુનૈદ અઝીમ મટ્ટુ વિરૂદ્ધ મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવ પાસર થઈ ગયો. છેલ્લે ૨૦૧૮થી ચૂંટાયા પછીથી તેઓ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી ચૂક્યા હતા. પરંતુ આ વખતે તેમની સામેનો આ પ્રસ્તાવ પસાર થઈ ગયો જેના કારણે તેમણે શ્રીનગરનું મેયર પદ ગુમાવવું પડ્યું.
આ મામલે ટિપ્પણી કરતાં અઝીમ મટ્ટુએ ભારતીય જનતા પાર્ટી અને નેશનલ કોન્ફરન્સને દોષિત ઠેરવ્યા હતા. જોકે નેશનલ કોન્ફરન્સે મેયર પદેથી અઝીમ મટ્ટુને હટાવવામાં કોઇપણ પ્રકારની ભૂમિકા ભજવવાનો ઈનકાર કરી દીધો હતો.
નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીએ કહ્યું હતું કે અમારી તેમને પદેથી હટાવવામાં કોઇ ભૂમિકા નથી. તેઅ ભાજપની દયા અને તેના શાપને કારણે જ પદેથી હટ્યા છે. તેમના મિત્રોએ જ તેમની પીઠ પાછળ ઘા કર્યો છે.
જોકે આ મામલે ભાજપના જમ્મુ-કાશ્મીર એકમના મહાસચિવ અશોક કૌલે પણ કહ્યું કે જુનૈદને આ પદેથી હટાવવામાં પણ તેમની જરાય ભૂમિકા નથી. જોકે મટ્ટુએ ટિ્‌વટ કરી કે શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૭૦માંથી ૪૨ વૉટ મારી વિરુદ્ધ પડ્યા અને ૨૮ કોર્પોરેટ ગેરહાજર રહ્યા હતા. ભાજપ અને એનસી તથા કેટલાક અપક્ષના કોર્પોરેટરોએ મારી વિરૂદ્ધ મતદાન કર્યુ અને આ કારણે જ મારું પદ છીનવાયું.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં જુનૈદ અઝીમ મટ્ટુ પીપલ્સ કોન્ફરન્સના ઉમેદવાર હતા અને તેઓ શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે ચૂંટાયા હતા જ્યારે કોંગ્રેસનું પીઠબળ ધરાવતા અપક્ષ ઉમેદવાર શેખ ઈમરાન તેમના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા.