(એજન્સી) શ્રીનગર, તા. ૪
શ્રીનગરના બહારી વિસ્તારના લવાયપુરામાં ફેક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ યુવકોના પરિવારોએ સોમવારે શ્રીનગર પ્રેસ એન્કલેવમાં ભારે દેખાવો કર્યા હતા અને મુક્ત તપાસ તથા ત્રણેય યુવકોના મૃતદેહો પરત આપવાની માગ બળવત્તર બનાવી હતી. મૃત્યુ પામેલા એક યુવકના પરિવારના સભ્યે જણાવ્યું હતું કે, અમે ન્યાય માગીરહ્યા છીએ. અમારા પર જુલમ થયો છે. અમારો દિકરો નિર્દોષ હતો. તેનો મૃતદેહ પરત આપો. ૧૬ વર્ષના અતહર મુશ્તાક વાનીના પિતા મુશ્તાક અહમદ વાનીએ કહ્યું કે, તેમણે મારી પાસેથી બધું જ ઝૂંટવી લીધું. હવે મારી પાસે કશું જ બચ્યું નથી. મને પણ એન્કાઉન્ટરમાં મારી નાખો અને મારા દિકરા પાસે દફનાવી દો. તેમણે કહ્યું કે, તમે સૈનિકોને વધુ ઇનામ મળશે અને તમારા માતા તથા બહેનો તમને બહાદૂર સૈનિકો તરીકે સન્માનિત કરશે. પરિવારો અને સામાજિક કાર્યકરો દ્વારા પ્રેસ એન્કલેવમાં ન્યાયની માગણી સાથે દેખાવો જારી રાખ્યા હતા.
ત્રણ યુવાનો પુત્રીગામ પુલવામાના ૨૪ વર્ષનો એઝાજ મકબૂલ ગનાઇ, શોપિયાંના તુરકાવંગમના ૨૨ વર્ષના ઝુબૈર અહમદ લોન અને બેલ્લોવના અતહર મુશ્તાક વાનીને ૩૧મી ડિસેમ્બરે લવાયપુરાના ફેક એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. પોલીસ અને સેનાએ દાવો કર્યો હતો કે, આ ત્રણેય ઉગ્રવાદીઓ હતા પરંતુ પીડિત પરિવારોએ આ દાવાને ફગાવ્યો હતો. દક્ષિણ કાશ્મીરના સામાજિક કાર્યકર અંગદ સિંહે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય અને માનવ અધિકારકાયદાઓ અનુસાર મૃતદેહો પરિવારોની મિલકત છે. તમે મૃતદેહો આપવામાં શા માટે ખચકાટ અનુભવો છો. તેમણે કહ્યું કે, જુઓ ભારતીય સેના દેવદૂત નથી અને તેઓ પણ ભૂલ કરે છે. આપણે પહેલા પણ જોયું કે, શોપિયાંના રાજૌરીમાં ત્રણ યુવકોસાથે શું બન્યું હતું. તમે મીડિયાના લોકો છો. મને કહો કે, શું પછી તેનો ખુલાસો થશે. જો તેઓ ઉગ્રવાદમાં સંડોવાયેલા હતા તો સાબિત કરો. આ એવો કેસ નથી કે તમે જ કોર્ટ, જજ અને ન્યાયપાલિકા બની જાવ. એક ૧૬ વર્ષનો યુવક જેની સામે કોઇ ક્રિમિલ કેસ નથી અને અચાનક એક કલાક કે અડધો કલાકમાં જ ઉગ્ર આતંકવાદી કેવી રીતે બની ગયો. અહીં જો કોઇ લોકશાહી બચી હોય તો જવાબ આપવો પડશે.