(એજન્સી)                              તા.૯

૨૦૨૦માં ભારત સરકારે જ્યારે કોવિડ મહામારીની પ્રથમ લહેર આવી હતી અને બીજી ઘાતકી લહેર ડોકિયા કરી રહી હતી ત્યારે દેશના વિવિધ ભાગોને મદદ કરવા માટે પ્રાઇમ મિનીસ્ટર્સ સિટીઝન્સ આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સીચ્યુએશન ફંડની (પીએમ કેર્સ ફંડ)ની સ્થાપના કરવામાં આવી હતી. પીએમ કેર્સ ફંડ હેઠળ શ્રીનગરની જાણીતી શ્રી મહારાજા હરીસિંહ (એસએમએચએસ) હોસ્પિટલને ૧૬૫ વેન્ટિલેટર્સની બેચ પ્રાપ્ત થઇ હતી અને હવે આરટીઆઇ અરજી હેઠળ એવું જાહેર થયું છે કે હોસ્પિટલ સત્તાવાળાઓને આ તમામે તમામ ૧૬૫ વેન્ટિલેટર્સ પરીક્ષણ દરમિયાન અથવા દર્દીઓ માટે ઓપરેટ કરવામાં આવ્યાં ત્યારે ખામીયુક્ત પુરવાર થયાં છે. ભારતમાં ગઇ સાલ વેન્ટિલેટર્સની ભારે અછત સર્જાઇ હતી. સરકારે દેશના સાહસિક એન્જિનિયર અને ડોક્ટરોને વધુ વેન્ટિલેટર્સ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા જણાવ્યું હતું. કેટલાક વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયાસોથી વેન્ટિલેટર્સ બનાવ્યાં પણ હતા. પરંતુ આ કાર્યક્રમ આડે બે સમસ્યાઓ ઊભી થઇ હતી. પીએમ કેર્સ ફંડ અને કેટલાક મિનીસ્ટરોએ એવી કંપનીને ૧૦૦૦૦ વેન્ટિલેટર્સ બનાવવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો જેને અગાઉ વેન્ટિલેટર્સ બનાવવાનો કોઇ અનુભવ ન હતો. બીજું સરકારે વેન્ટિલેટર્સની ડિઝાઇનની પૂર્તતા માટે કોઇ ધોરણો નિર્ધારીત કર્યા ન હતાં. ભારતમાં કોવિડની બીજી મોટી લહેર દરમિયાન વેન્ટિલેટર્સ નહીં પણ ઓક્સિજનની આછત ઊભી થઇ હતી. હોસ્પિટલો પાસે કદાચ પર્યાપ્ત સંખ્યામાં વેન્ટિલેટર્સ હશે પરંતુ તેની ગુણવત્તા હજુ અસ્પષ્ટ હશે. આરટીઆઇ અરજી દ્વારા આ અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પીએમ કેર્સ ફંડના ઓપરેટરો દ્વારા એસએમએચએસ હોસ્પિટલને ૧૬૫ યુનિટ મોકલવામાં આવ્યાં હતાં. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશે માગણી કરી નહી ૅહોવા છતાં આ વેન્ટિલેટર્સ તેમને મોકલાયાં હતાં. આ અંગે જમ્મુ સ્થિત કર્મશીલ બલવીન્દરસિંહે આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગના આરટીઆઇ અરજી કરી હતી. આ માટે બલવીન્દરસિંહે પીએમ કેર્સ ફંડ તરફથી મળેલ વેન્ટિલેટર્સ અંગે જે ૧૫ પ્રશ્નો પૂછ્યાં હતાં તેના આરોગ્ય વિભાગે જવાબ આપ્યાં હતાં. પ્રાપ્ત થયેલ જવાબ અનુસાર મોટા ભાગના વેન્ટિલેટર્સ પેશન્ટ કેર મેનેજમેન્ટને સપોર્ટ કરે તેવી સ્થિતિ ધરાવતાં ન હતાં. ઘણીવાર વેન્ટિલેટર્સ આપોઆપ બંધ થઇ જતાં હતાં જેને કારણે દર્દીઓની જીંદગી જોખમમાં મૂકાતી હતી. મોટા ભાગના વેન્ટિલેટર્સની ગુણવત્તા સારી ન હતી અને યોગ્ય રીતે કામ કરતાં ન હતાં. જરુરી ટાઇડલ વોલ્યુમ જનરેટ થઇ શકતું ન હતું. આમ આ ૧૬૫ વેન્ટિલેટર્સ યોગ્ય રીતે કામ કરતાં ન હતાં.