(એજન્સી) શ્રીનગર, તા.૩
ગઈકાલે વહેલી સવારે શ્રીનગર એરપોર્ટ નજીક ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયેલ અર્ધસૈન્યના કેમ્પ પર બીએસએફના એક જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ હતી. બીએસએફની ટુકડીએ જવાબી કાર્યવાહી હાથ ધરતાં તમામ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય આતંકીઓને ઠાર માર્યા બાદ તપાસ અભિયાન હાથ ધરાયું છે. ગઈકાલ સવારે લગભગ ચાર વાગે બીએસએફના ૧૮ર બટાલિયન કેમ્પ પર આતંકી હુમલો શરૂ થયો હતો. આ હુમલા બાદ સુરક્ષા ભંગના ભય હેઠળ એનઆઈએ ઓફિસ, સીઆરપીએફ કેમ્પ, ઈન્ડિયન એરફોર્સ બેઝને બંધ રાખવામાં આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં મોટા પ્રમાણમાં આતંકીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે.
મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. હુમલો કરવામાં આવ્યો ત્યારે સાવચેતીના પગલારૂપે થોડાક સમય માટે શ્રીનગર વિમાની મથકને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે, મોડેથી વિમાની સેવા અને વિમાની મથકને ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્રાસવાદીઓએ બીએસએફની ૧૮૨મી બટાલિયનને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. ત્રાસવાદી કેમ્પસની અંદર સ્થિત એક ઇમારતમાં ત્રાસવાદીઓ ઘુસી ગયા હતા. કલાકો સુધી ચાલેલા આ ઓપરેશનમાં ત્રણેય ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ભીષણ ત્રાસવાદી હુમલાની જવાબદારી જેશે મોહમ્મદે સ્વીકારી લીધી છે. આ હુમલામાં ત્રણ જવાનો પણ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા જવાનોને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ કહેવામાં આવે છે કે સવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ ત્રાસવાદીઓ ગોળીબાર કરતા કરતા બીએસએફ કેમ્પમાં ઘુસી ગયા હતા. જેથી સેનાના જવાનો અને સુરક્ષા દળોએ તરત જ મોરચા સંભાળી લીધા હતા. જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારને ઘરી લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન તમામ વાહનોને અને પ્રવાસીઓને વિમાનીમથક તરફ જતા રોકી દેવામાં આવ્યા હતા. એરપોર્ટના કર્મચારીઓને પણ એરપોર્ટમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી ન હતી. જો કે મોડેથી પ્રવાસીઓને જવાની મંજુરી આપવામાં આવી હતી. હુમલો કરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. ઓપરેશનમાં સીઆરપીએફ, ૫૩ રાષ્ટ્રીય રાઇફલ, બીએસેફ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો જોડાયા હતા. કલાકો સુધી ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારની રમઝટ જામી હતી. અત્રે નોંધનીય છે કે હાલમાં ત્રાસવાદીઓએ હુમલાને વધારી દીધા છે. કાશ્મીર ખીણમાં પુલવામા જિલ્લામાં ત્રાસવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં પોલીસના હેડ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પહેલા છેલ્લા સપ્તાહમાં બાન્દીપોરામાં ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં મોટા પાયે ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે પાકિસ્તાની સેનાના જવાનો પણ સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યા છે. આના ભાગરૂપે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશરેખા ઉપર ગઇકાલે સોમવારે ભીષણ ગોળીબાર કર્યો હતો.