(એજન્સી) તા.૧૮
ગુરુવારે વહેલી સવારે શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ હતી. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર મારવામાં આવ્યાં હતાં અને એક મહિલા નાગરીક ૪૫ વર્ષની કાન્સર રીઆઝનું પણ મોત થયું હતું.
પોલીસે એક સત્તાવાર નિવેદનમાં એવું જણાવ્યું છે કે આતંકીઓ દ્વારા અંધાધુંધ ગોળીબારના કારણે આ મહિલાનું મોત થયું હતું પરંતુ તેના પરિવારોએ પોલીસના આ દાવાની સચોટતા સામે સવાલ ઉઠાવ્યો છે. મૃતક મહિલાના પુત્ર અકીબ રિયાઝ અને અન્ય પરિવારજનોએ મહિલાનું મોત આતંકીઓના ગોળીબારમાં થયું હોવાનો પોલીસનો દાવો ફગાવી દીધો છે. અકીબે જણાવ્યું હતું કે વહેલી સવારે ૪ વાગ્યે હું અને મારી માતા સેન્ટ્રો કારમાં અમારી બેકરી પર જઇ રહ્યાં હતાં ત્યારે એકાએક એક ગોળી મારી કારના પાછલા કાચને વિંધીને કારમાં બેઠેલ મારા માતાની ખોપરી પર લાગતા તેનું મૃત્યુ થયું હતું. હવે ખરેખર કોણે ફાઇરીંગ કર્યુ તેની અમને ખબર નથી. તે આર્મી પણ હોઇ શકે, સીઆરપીએફ કે એસઓજી પણ હોઇ શકે વાસ્તવમાં અમને ખબર નથી. હજુ સુધી કોઇ પોલીસ કે સરકારી અધિકારીઓએ અમારો સંપર્ક કર્યોે નથી. આમ આ મહિલા નાગરિકનું મોત આતંકીઓના ફાઇરીંગથી થયું છે એવા સરકારના દાવા સામે મૃતકના પરિવારજનોએ સવાલ ઉઠાવ્યો છે. આ વર્ષે શ્રીનગરમાં થયેલ બટમાલુ એન્કાઉન્ટર એ સાતમું એન્કાઉન્ટર છે. આ વર્ષે ફેબ્રુ.માં શ્રીનગરના શહેરના સીમાડે લાવાયપોરા ખાતે થયેલ ગોળીબારમાં બે આતંકીઓ અને સીઆરપીએફના એક જવાનનું મોત થયું હતું. બે મહિનામાં નવાકડાલ વિસ્તારમાં ચાલેલ ૧૫ કલાક લાંબા એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા હતાં હતા. ૨૧, જૂને શ્રીનગરના જાદિબાલ વિસ્તારમાં સામસામા ગોળીબારમાં સુરક્ષા દળોએ આઇએસના ઇલાયત-એ-જૂથના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ધ વાયરના પ્રતિનિધિ જ્યારે એન્કાઉન્ટર સ્થળે પહોંચ્યાં ત્યારે ત્યાં એક ઘર અડધું સળગી ગયું હતું. આ ઘરમાં રહેતા પરિવારના કોઇ સભ્ય હાજર ન હતાં. એક મહિલાએ પોતાની ઓળખ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે સુરક્ષા દળો આ ઘરમાંથી ઝવેરાત અને રોકડ રકમ ઉઠાવીને નાસી ગયાં હતાં.