(એજન્સી) નવી દિલ્હી, તા.૬
નિવૃત્ત સનદી અધિકારીઓના એક જૂથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘને ચેતવણી આપતા પત્રો લખી જણાવ્યું છે કે, ઈન્ડિયન પેનલ કોડને સુધારવા માટે તમે જે યોજના બનાવી છે એ પડતી મૂકો, તમારી યોજના છે કે, ઈપીકોમાં સુધારો કરવામાં આવે અને જે કોઈ વ્યક્તિ ધાર્મિક પુસ્તકોને અપમાનિત કરતો કૃત્ય કરે એ ગુનાને ખૂબ જ ગંભીર ગણી એના માટે જન્મટીપની સજા આપવામાં આવે. અમે અમારો વાંધો પ્રેસ સમક્ષ જણાવી ચૂકયા છીએ એ જ વાંધો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ અમને આશા છે કે, તમારી કેબિનેટ આ નિર્ણય બાબત પુનઃ વિચાર કરશે. અમારા મતે આ બુદ્ધિગમ્ય વિચાર નથી જેથી એ સુધારા બિલને પાછું ખેંચવામાં આવે. બંધારણની વિરૂદ્ધ કૃત્ય કરવાથી બિનસાંપ્રદાયિકતાનું વાતાવરણ દૂષિત થાય છે. જેથી અમે કોંગ્રેસને વિનંતી કરીએ છીએ કે, ભારતના બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોની જાળવણી કરવામાં આવે અને એને મજબૂત બનાવવામાં આવે તમે એ વાત સાથે તો સંમત થશો કે, અમોએ ભૂતકાળમાં કરાયેલ પાપોની ખૂબ જ મોટી કિંમત ચૂકવી છે. અમોએ ટૂંકાગાળાનો રાજકીય લાભ લેવા માટે જુદા જુદા ધર્મની લાગણીઓને ઉશ્કેરવા માટે ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપ્યું હતું. તમે એ પણ માનશો કે, કોંગ્રેસ પક્ષ પોતે પણ ઘણા પ્રસંગોએ કોમી બાબતોમાં ઘેરાઈ ચૂકયા છે. જેથી એમની ઉપર પણ દંભી વલણના આક્ષેપો મુકાયા હતા. આજની પરિસ્થિતિમાં બિનસાંપ્રદાયિક મૂલ્યોની જાળવણી કરવા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમારૂં માનવું છે કે, તમારી ફરજ છે કે, એક પક્ષના નેતા હોવાના લીધે એ મૂલ્યોની જાળવણી કરો અને ટુંકાગાળાના રાજકીય લાભો મેળવવાથી દૂર રહો.