(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
નિવૃત લશ્કરી અધિકારી લોકેશ કે બત્રાએ એકલે હાથે આદરેલી મહેનત રંગ લાઈ છે. આખરે મુખ્ય માહિતી પંચે વિદેશ મંત્રાલયને એર ઈન્ડીયાના વિમાનમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પાછળ થયેલા ખર્ચના વિગતો પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. મોદીના વિદેશ પ્રવાસ સંબંધિત રેકોર્ડ છુટાછવાયા અને વોલ્યુમમાં બંધ પડ્યાં છે તેવી વિદેશ મંત્રાલયની દલીલને ઠુકરાવતાં મુખ્ય માહિતી કમિશનરે મંત્રાલયને બીલની વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો. મુખ્ય માહિતી પંચે કેન્દ્રીય વિદેશ મંત્રાલયને ૨૦૧૩ થી ૨૦૧૭ સુધી એર ઈન્ડીયાના વિમાનમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસની વિગતો પૂરી પાડવાનો આદેશ કર્યો છે. મુખ્ય માહિતી કમિશનર આર કે માથુરે મંત્રાલયની દલીલને નકારી કાઢી હતી. વિદેશ મંત્રાલયે એવી દલીલ કરી હતી કે રકમની વિગતો, રેફરન્સ નંબર, ભારતીય વાયુદળ અને એર ઈન્ડીયાના વિમાનમાં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પાછળ થયેલ ખર્ચની વિગતો, વિવિધ રેકોર્ડમાં વિખરાયેલી પડી છે અને તેને શોધવા માટે અધિકારીઓની એક આખી ટીમ લગાડવી પડશે. આખા-આખા વોલ્યુમની તપાસ કરવી પડશે. મંત્રાલયની આ તમામ દલીલોને પંચ નકારી કાઢી હતી. અરજદાર લોકેશ બત્રાએ માહિતી અધિકારી હેઠળ એક અરજી કરીને વડાપ્રધાન મોદીના ૨૦૧૩-૧૪ થી ૨૦૧૬-૧૭ ના વિદેશ પ્રવાસની વિગતો પૂરી પાડવાનું જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન બત્રાએ કહ્યું કે મંત્રાલય દ્વારા મને અધૂરી માહિતી પૂરી પાડવામાં આવી ત્યારે બાદ કમિશનનો સંપર્ક સાધ્યો. તેમણે કહ્યું હું હું જાહેર જનતાને વાકેફ કરવા માંગું છું કે કયા તબક્કે અને કયા જાહેર સત્તામંડળ દ્વારા આ બીલને પેન્ડીંગ રાખવામાં આવ્યાં છે. બત્રાએ કહ્યું કે એર ઈન્ડીયા આકરી નાણાભીડનો સામનો કરી રહી છે તે કોઈ નફો કરતી નથી.