(એજન્સી) કોલંબો, તા. ૬
ટેમ્પલ ટૂથ તરીકે ખ્યાતિ પામેલા તથા બૌદ્ધ શહેર કેન્ડીમાં બૌદ્ધો દ્વારા મોટા પાયે મુસ્લિમોની મસ્જિદો અને મુસ્લિમ સમાજના લોકો પર હુમલા કરવામાં આવ્યા હતા. મોટા પાયે હુમલાના કારણે શ્રીંલકાની મૈત્રિપાલા સીરીસેના સરકારને દેશમાં ૧૦ દિવસની કટોકટી જાહેર કરવાની ફરજ પડી છે. શ્રીલંકામાં કેન્ડી તોફાન અને કટોકટી પાછળ : રોડરેજ ઘટના અને ઊંડી ખૂંપેલી કોમી બેચેની કારણભૂત હોવાનું ફલિત થાય છે. મંગળવારે એક સરકારી અધિકારીએ આ વાતની માહિતી આપતાં કહ્યું કે દેશમાં બૌદ્ધ દ્વારા મુસ્લિમ સમૂદાય પર હુમલાઓ વચ્ચે કટોકટી લાગુ પાડવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે એક વિશેષ કેબિનેટ બેઠકમાં ૧૦ દિવસની કટોકટી લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને કોમી તોફાનને બીજા વિસ્તારોમાં ફેલાતું રોકી શકાય. તેમણે કહ્યું કે ફેસબુક દ્વારા હિંસાની ઉશ્કેરણી કરનાર લોકોની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે. ગત થોડા વર્ષોથી શ્રીલંકામાં બન્ને સમુદાયોની વચ્ચે તનાવ ચાલી રહ્યો છે. બૌદ્ધ લોકો દ્વારા મુસ્લિમો પર ખોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેઓ લોકોનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે અને બૌદ્ધ પુરાતત્વ સ્થળોની તોડફોડ કરી રહ્યાં છે. બૌદ્ધ શ્રીલંકામાં શરણ લઈ રહેલા રોહિગ્યા પર કેર વર્તાવી રહ્યા છે.કટોકટી જાહેર કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો. હિંસા આચરનાર તત્વોની સામે કડક પગલાં ભરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકાના કેન્ડી શહેરમાં થયેલી હિંસા બાદ આખા દેશમાં હિંસાની આગ વકરી.કેન્ડી શ્રીલંકાનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે. કેન્ડીમાં એક વ્યક્તિની હત્યા અને સમૂદાય વિશેષ વ્યાપારને આગ લગાડવામાં આવ્યાં બાદ અશાંતિ પેદા થઈ હતી. હિંસા આચરનાર ડઝન લોકોની ધરપકડ કરવામાં આવી. શ્રીલંકન મીડિયામાં આવેલી ખબર અનુસાર, કેન્ડી શહેરમાં સ્થિતિ વણસી હતી. અહીં બે દિવસ પહેલા બૌદ્ધ દ્વારા મુસ્લિમ સમૂદાયનો લોકો હુમલા કરાયા હતા. પછી ઘણા મુસ્લિમ વેપારીઓની દુકાનમા આગ લગાડી દેવામાં આવી. કેટલાક સંગઠનો અને જૂથો રોહિગ્યા મુસ્લિમોને શરણ આપવાનો પણ વિરોધ કરી રહ્યાં છે. શ્રીલંકામાં મુસ્લિમોની જનસંખ્યા ૧૦ ટકા જ્યારે બૌદ્ધ સિંહલીની લગભગ ૭૫ ટકા છે. સરકારને તમામ પાર્ટીઓ અને સામાન્ય જનોને જવાબદારી નિભાવવાની અને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.