(એજન્સી) કોલંબો, તા.પ
શ્રીલંકાના વડાપ્રધાન વિક્રેમસિંઘે ફરી વખત સાબિત કર્યું છે કે એ શ્રીલંકામાં સર્વેસર્વા છે. પોતાનું કેરિયર સાચવવા લાંબુ યુદ્ધ લડનાર વિક્રેમસિંઘે સંસદમાં એમની સામે મૂકાયેલ અવિશ્વાસ પ્રસ્તાવ સામે વિજય મેળવ્યો હતો. સંસદમાં સ્પીકર સમેત રરપ સભ્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ વિરૂદ્ધ ૧રર મતો, તરફેણમાં ૭૬ મતો પડ્યા હતા અને ર૬ સાંસદો મતદાનથી દૂર રહ્યા હતા. વિક્રેમસિંઘેની સામે મોટા પડકારો હતા. એમની ગઠબંધન સરકારના મુખ્ય સાથી શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના અધ્યક્ષ મૈથરીપાલા સિરીસેનાએ જ મુખ્ય વિરોધપક્ષ સાથે વિક્રેમસિંઘેને દૂર કરવાની યોજના ઘડી હતી. વિક્રેમસિંઘેનો પોતાનો પક્ષ યુનાઈટેડ નેશનલ પક્ષ પણ વિભાજીત હતું. જેમાંથી મોટા ભાગના સભ્યો એમને દૂર કરવા ઈચ્છતા હતા. ખરી રીતે યુનાઈટેડ નેશનલ પાર્ટીના ૮૧ સાંસદોમાંથી ર૭ સાંસદોએ ખુલ્લો બળવો કર્યો હતો. પણ આશ્ચર્યજનક રીતે દિવસના અંતે જ્યારે વફાદાર સાંસદોએ પક્ષમાં પ્રચાર કર્યો અને બધી શંકાઓ કુશંકાઓને ખોટી પાડી અને વિક્રેમસિંઘેને વિજયી બનાવ્યા. વિક્રેમસિંઘેનો આ વિજય એમનો અંગત પણ છે અને પક્ષનો પણ છે જેમણે પક્ષમાં એકતા જાળવી રાખી હતી. પણ ગઠબંધનમાં વિવાદો ચાલુ જ રહેશે એવું જણાઈ આવે છે.