(એજન્સી) તા.૧પ
મુસ્લિમો વિરૂદ્ધ હિંસા બદલ અને એક ગૂમ થયેલા પત્રકારની પત્નીને ધમકાવવા બદલ શ્રીલંકામાં એક બૌદ્ધ સાધુને છ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. શ્રીલંકામાં કોઈ બૌદ્ધ સાધુને જેલની સજા થઈ હોય તેવા કિસ્સાઓ બહુ દુર્લભ છે. એક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે ઘણા શ્રીલંકન લોકોએ સોશિયલ મીડિયામાં આ પગલાંને આવકાર્યો હતો. જે સિહાલા-બૌદ્ધ બહુમતીવાળા દેશમાં ભગવા ધારણ કરેલા સાધુઓની સજા-મુક્તિ વિશેની ચિંતા વચ્ચે આશા જન્માવે છે. આ બૌદ્ધ સાધુનું નામ ગાલાગોડા આપપે જ્ઞાનાસાર છે. તે બોદુ બાલા સેના નામના બુદ્ધિસ્ટ સંગઠનનો મુખ્ય સચિવ છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ગુરૂવારે મેજીસ્ટ્રેટ ઉદેશ રણતુંગાએ બૌદ્ધ સાધુને છ મહિનાની સળંગ જેલની સજા સંભળાવી હતી. આ ઉપરાંત ૧પ૦૦ રૂપિયા દંડ અને પત્રકારની પત્નીને પ૦,૦૦૦ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જ્ઞાનસારે સજા સામે અસંમતિ દર્શાવતા જજે તેમની નિવેદન આપવાની વિનંતી નકારી કાઢી હતી. જ્યારે તેને જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે અન્ય બૌદ્ધ સાધુઓએ બૌદ્ધ ધર્મગ્રંથોનો મંત્રોચ્ચાર કર્યો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે જ્ઞાનસાર વિરૂદ્ધ મુસ્લિમ અને ખ્રિસ્તી વિરોધી હિંસા, નફરત ફેલાવનાર ભાષણો, મુસ્લિમોના પવિત્ર પુસ્તક કુર્આન શરીફને નુકસાન પહોંચાડવાના ગંભીર આરોપો હતા.