કોલકાતા, તા.૧પ
ભારતીય ટીમ બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની સિરીઝમાં શ્રીલંકા સામે વિજયનો ક્રમ જાળવી રાખવા ઉતરશે જ્યારે શ્રીલંકન ટીમ ગત શરમજનક પરાજયને ભૂલીને અહિંયા ટેસ્ટ સિરીઝ જીતવાનું લગભગ અશક્ય સ્વપ્ન પૂરું કરવાના ઈરાદાથી રમશે. આ મેચમાં જો કે વરસાદનું વિદન નડવાની સંભાવના છે. ભારતે શ્રીલંકાને ત્રણેય ફોર્મેટમાં હરાવી ૯-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. શ્રીલંકન ટીમે ત્યારબાદ યુએઈમાં પાકિસ્તાનને ર-૦થી હરાવી વિજયના માર્ગે પુનરાગમન કર્યું. ભારતીય ટીમ દ.આફ્રિકાના બે મહિનાના પ્રવાસની તૈયારી માટે આ સિરીઝને પૂરી ગંભીરતાથી લઈ રહી છે. શ્રીલંકાએ ૩પ વર્ષમાં ૧૬ મેચોમાંથી અહિંયા એકપણ મેચ જીતી નથી. તેણે ભારતમાં પ્રથમ ટેસ્ટ ૧૯૮રમાં રમી હતી. બિનઅનુભવી ટીમ લઈને આવેલા કપ્તાન ચાંડીમલ માટે માર્ગ આસાન નથી. બીજી બાજુ ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. જો કે પસંદગીની અમુક સુવિધાઓ છે. હવામાન વિભાગે ૧૮ નવેમ્બર સુધી વરસાદની ચેતવણી આપી છે ઈડન ગાર્ડનની લીલીછમ પિચ ઉપર ભુવનેશ્વર કુમાર ટીમમાં પુનરાગમન કરી શકે છે. ભારત ત્રણ ઝડપી બોલર અને બે સ્પિનર ઉતારી શકે છે.