(એજન્સી) તા.૧
રામજન્મભૂમિ-અયોધ્યા વિવાદમાં સામસામે બેઠેલા પક્ષકારો વચ્ચે મધ્યસ્થિ કરવાના પોતાના પ્રયાસો જારી રાખીને આર્ટ ઓફ લિવીંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે દાયકા જૂના આ વિવાદને ઉકેલવા એક નવી ફોર્મ્યુલા વહેતી કરી છે. જો કે, ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ ફોર્મ્યુલાને હાસ્યાસ્પદ તરીકે વખોડી કાઢી છે.
શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદના સંભવિત ઉકેલની ચર્ચા કરવા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડમાંથી તાજેતરમાં હકાલપટ્ટી કરાયેલા મૌલાના સલમાન નદવીને મળ્યા હતા. લખનૌમાં કોંગ્રેસ નેતા લવભાર્ગવના નિવાસસ્થાનેે યોજાયેલી બેઠક બાદ ન્યૂઝ ૧૮ દ્વારા શ્રી શ્રી રવિશંકરને એવું કહેતા ટાકવામાં આવ્યા હતા કે, અમને તમામ બાજુએથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે રામમંદિરનું નિર્માણ કરવા શાંતિપૂર્ણ ઉકેલ માટે અમારા પ્રયાસો ચાલુ રાખ્યા છે અને બંને પક્ષકારો સાથે વાત કરી રહ્યા છીએ.
અહેવાલો અનુસાર રવિશંકરની અદ્યતન અયોધ્યા ફોર્મ્યુલામાં આવું જણાવાયું છે કે, હિંદુઓએ વિવાદી જમીન પર પોતાનો કાનૂની કબજો છોડી દેવો જોઇએ અને મુસ્લિમો ત્યારબાદ આ જ જમીનને હિંદુઓને એક ભેટ તરીકે પરત આપશે. શ્રી શ્રીની દરખાસ્તને હાસ્યાસ્પદ ગણાવીને ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, આ ફોર્મ્યુલા સાથે આગળ વધવું અશક્ય છે.
શ્રી શ્રી રવિશંકર મંગળવારે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળ્યા હતા. બંને વચ્ચે ૪૦ મિનિટ માટે યોજાયેલી આ બેઠકની વિગતો મીડિયાને જાહેર કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે, અયોધ્યા વિવાદ મીટિંગના એજન્ડામાં મોખરે હતો. રવિશંકરે ગઇ સાલ નવેમ્બરમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે બેઠક કરી હતી. જેમણે જણાવ્યું હતું કે, જ્યારે સુપ્રીમકોર્ટ સમક્ષ મામલો પડતર છે ત્યારે આ વાતચીતનું પરિણામ શું આવશે એ દરેકને ખબર છે. આજે સુપ્રીમકોર્ટમાં આ મામલો સુનાવણી પર આવ્યો ત્યારે સુપ્રીમકોર્ટે બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદમાં અલાહબાદ હાઇકોર્ટ સમક્ષના પક્ષકારોને તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ દસ્તાવેજોનો અંગ્રેજી અનુવાદ બે સપ્તાહમાં સુપરત કરવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાના વડપણ હેઠળ સ્પેશિયલ બેંચે જણાવ્યું હતું કે, તે હવે ૧૪ માર્ચના રોજ અપીલોની સુનાવણી કરશે અને સ્પષ્ટતા કરી હતી કે, આ કેસની સુનાવણી રોજબરોજના ધોરણે યોજવાનો તેનો કોઇ ઇરાદો નથી.