(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક અને અધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્શનલ લો બોર્ડના આક્ષેપો પર વાંધો ઉઠાવીને તેને ફગાવી દીધાં છે. મુસ્લિમ લો બોર્ડે એવો આક્ષેપ કર્યો હતો કે રવિશંકર આતંકવાદીઓ અને અસામાજિક તત્વોને ઉત્તેજન આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે બોર્ડ મને આતંકવાદી સમજે છે તે જોઈને અત્યંત આઘાત અને દુખ લાગ્યું. હું આ આક્ષેપો પર વાંધો ઉઠાવું છું. મહેરબાની કરીને તમે સમજો કે હું સમાજમાં શાંતિ અને સદભાવના વિકસાવી રહ્યો છું. આ સમજવાને બદલે મારી સામે પાયોવિહોણો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તે જોઈને મને અત્યંત માઠું લાગ્યું. ૭ માર્ચના રોજ રવિશંકરે અયોધ્યા વિવાદનું કોર્ટની બહાર સમાધાન શોધવાનું જણાવ્યું હતું. મુસ્લિમ પર્શનલ લો બોર્ડે કહ્યું હતું કે આ કેસમાં ફક્ત કોર્ટનો ચુકાદો જ માન્ય રહેશે. બોર્ડે રવિશંકરની તાજેતરની ટીપ્પણીને ધ્યાન પર લીધી હતી. રવિશંકરે એવી ટીપ્પણી કરી હતી કે મુસ્લિમોએ હિન્દુ મંદિરના બાંધકામ માટે અયોધ્યામાં એક એકર જમીનની ભેટ આપી દેવી જોઈએ બદલામાં મસ્જિદ માટે પાંચ એકર જમીન પૂરી પાડવામાં આવશે. આ અંગે મુસ્લિમ પર્શનલ લો બોર્ડના રેહમાણીએ કહ્યું કે બોર્ડના સભ્યો સાથેની ચર્ચાવિચારણા બાદ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. જો રવિશંકરને કોઈ આશંકા હોય તો તેમણે કોમી હિંસાની સ્થિતિને ટાળવા માટે વચલો રસ્તો કાઢવો જોઈએ.