(એજન્સી) મુંબઈ, તા.૭
અયોધ્યા વિવાદ અંગે વિવાદિત બયાન આપનારા શ્રી શ્રી રવિશંકર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ મહારાષ્ટ્ર, વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આસીમ આઝમીએ કરી છે. આઝમીએ શ્રીશ્રીના નિવેદનને મુસ્લિમો માટે ધમકી ગણાવી હતી.
આઝમીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા સંસદીય કાર્યમંત્રી ગિરીશ બાપેટે કહ્યું કે તમે અબુ આઝમી છો અને તે શ્રીશ્રી રવિશંકર છે આપ તે તફાવત સમજો. અમે રામમંદિર બનાવીને રહીશું. ભાજપના સભ્યોના સતત હુમલા બાદ આઝમી એવું કહીને બેસી ગયા કે તેમને બોલવા દેવામાં નથી આવી રહ્યા.
વિધાનસભા પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં ભાજપના ધારાસભ્ય રાજપુરોહિતએ આઝમીના નિવેદનનો વિરોધ કરતા કહ્યું કે, શ્રીશ્રીએ સમજદારી પૂર્વકની પહેલ કરી છે. અયોધ્યામાં રામમંદિર બનવું જોઈએ તે સૌની ભાવના છે. મુસ્લિમ ભાઈઓએ મોટું મન રાખી જમીન રામમંદિર માટે આપી દેવી જોઈએ. આવા નેક કાર્ય માટે ધરપકડની વાત કરવી યોગ્ય વર્તન નથી.