સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં માનવ અધિકાર પંચે નોટિસ પાઠવી હતી જ્યારે શ્રેય અગ્નિકાંડમાં પંચનું અલગ વલણ : પીડિત પરિવાર

(એજન્સી)

અમદાવાદ, તા.૧૩

શ્રેય અગ્નિકાંડમાં પોતાની પત્નીને ગુમાવનારા, અગ્રણી ધારાશાસ્ત્રી અને

માનવ અધિકાર કાર્યકર એમ.એમ.તિરમીઝીએ આરોપ લગાવ્યો હતો કે, ગત વર્ષે સુરતમાં થયેલા અગ્નિકાંડ સમયે સરકારે જે રીતે ત્વરિત પગલાં ભરી કડક કાર્યવાહી કરી હતી તેનો  શ્રેય અગ્નિકાંડ સમયે અભાવ જોવા મળે છે. સાત ઓગસ્ટના રોજ શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ દર્દીઓ મોતને ભેટયા હતા. આ મૃતકોમાં એમ.એમ. તિરમીઝીના પત્ની આયેશા પણ સામેલ હતા. આ કમભાગી દિવસના આગલા દિવસે જ આયેશા તિરમીઝી કોરોના નેગેટિવ જાહેર થયા હતા. ગત ૨૪ મે, ૨૦૧૯ના રોજ સુરતના તક્ષશિલા આર્કેડના કોચિંગ કલાસમાં લાગેલી આગમાં ૨૨ લોકોનાં મોત થયા હતા.  આ ઈમારતમાં પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

એમ.એમ.તિરમીઝીએ પ્રશ્ન કર્યો હતો કે, આ બન્ને ઘટનાઓમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જ હતું તો, સુરતની ઘટનાના આરોપીઓ શા માટે હજુ જેલમાં છે અને શ્રેય અગ્નિકાંડમાં શા માટે જામીનપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે? રાજ્કીય દરમ્યાનગીરીના કારણે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં અલગ વલણ અપનાવવામાં આવ્યું છે. શ્રેય હોસ્પિટલ કેસના આરોપીને તુરંત જામીન મળી ગયા હતા. આઈએએસ અધિકારી અને જસ્ટિસ કે.એ.પૂંજ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસને એડવોકેટ તિરમીઝી દ્વારા અલગ રીતે જોવામાં આવે છે. તેમનું માનવું છે કે, આ કેસમાં સરકાર યોગ્ય રીતે તપાસ કરવા નથી માંગતી. જ્યારે સુરતના અગ્નિકાંડમાં વિલંબ વિના એફઆઈઆર નોંધવામાં આવી હતી તેમજ ઈમારતના માલિક અને સિવિક સેન્ટરના જવાબદાર કર્મચારીઓ સામે કલમ ૩૦૪ હેઠળ ગુનો નોંધાયો હતો. બીજી તરફ શ્રેય અગ્નિકાંડ કેસમાં વિલંબથી એફઆઈઆર નોંધાઈ હતી અને તપાસના નામે લોકોનું ધ્યાન ભટકાવવામાં આવ્યું હતું. એફઆઈઆરમાં માત્ર કલમ ૩૦૪એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એમ સિનિયર એડવોકેટ તિરમીઝીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કલમ ૩૦૪ ગુનાહિત મનુષ્યવઘ માટે છે. જે હેઠળ દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જ્યારે કલમ ૩૦૪એ હેઠળ માત્ર બે વર્ષની સજાની જોગવાઈ છે. અમદાવાદના કેસમાં તપાસ પંચો નિમવાનો ઉત્સાહ સરકારના કવર-અપ એકટનો ભાગ છે. તપાસના પ્રાથમિક તબક્કામાં અમદાવાદના કેસમાં ખાસ વકીલની કરાયેલી નિમણૂકની નોંધ લેતા એડવોકેટ તિરમીઝીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આવી નિમણૂક ચાર્જશીટ દાખલ થયા બાદ કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતના કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી જ્યારે શ્રેય અગ્નિકાંડના કેસમાં માનવ અધિકાર સંગઠન દ્વારા કોઈ નોટિસ પાઠવાઈ નથી. એડવોકેટ એમ. એમ. તિરમીઝી હવે આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનો દરવાજો ખખડાવવાની યોજના બનાવી રહ્યાં છે. ઉપરાંત માનવ અધિકારો માટે કામ કરતા અન્ય કાર્યકરો પણ એવી ફરિયાદ કરી રહ્યાં છે કે, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં રાજ્કીય હસ્તક્ષેપ થઈ રહ્યો છે. જેના પગલે પોલીસ આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે અને ગુનેગારો સામે ગોકળ ગાય જેવું વલણ અપનાવ્યું છે.

(સૌ. : ટાઈમ્સ ઓફ ઈન્ડિયા)