હોસ્પિટલ બહાર પોલીસ દ્વારા સગાઓને ધમકવ્યાનો ગંભીર આરોપ : સાદા ડ્રેસમા આવેલી પોલીસે કોના ઈશારે આવું કર્યું તે તપાસનો વિષય

અમદાવાદ, તા.૧૯

અમદાવાદના શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ અંગે હોસ્પિટલ બહાર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પીડિત પરિવાર દ્વારા દર્દીઓના સગાઓએ હોસ્પિટલ અને તંત્ર વિરૂદ્ધ આક્ષેપો કર્યા છે અને CBI તપાસની માંગ કરી છે.

આ પ્રદર્શનો દરમ્યાન એક ગંભીર વાત સામે આવી હતી કે, પોલીસ દ્વારા મૃતકોના સગાઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાદા ડ્રેસમાં આવેલી પોલીસે સગાઓના મોબાઈલ ફોન અને ફોટા માંગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ અંગે ઈન્કાર કરાતાં હાજર એક પોલીસે જણાવ્યું હતું કે, વાંધો નહીં અમે મીડિયા મારફતે આ લોકોના ફોટા મેળવી લઈશું. પોલીસે શા માટે આવું વલણ અપનાવ્યું અને કોના ઈશારે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહેલા પીડિત પરિવારોને ધમકાવ્યા તે તપાસનો વિષય છે.  અમદાવાદની નવરંગપૂરા  શ્રેય હોસ્પિટલમાં આઈ.સી.યુ. વોર્ડમાં આગ લાગી હતી. જેમાં આઠ દર્દીઓના આગમાં મોત નિપજ્યાં હતા. આ ચકચારી ઘટનાને દોઢ મહિનો વિતી જવા છતાં જવાબદાર વ્યક્તિ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે સંદર્ભે શ્રેય હોસ્પિટલની બહાર દર્દીઓના સગાસંબંધીઓ સાથે પ્રેસકોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં હોસ્પિટલ અને તંત્ર વિરૂદ્ધ ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

જેમાં કિશોરભાઈ સિન્ધી, હીમાંશુભાઈ, સમીર મનસુરી સહિત દર્દીઓના સગાઓના જણાવ્યા મુજબ અગાઉ સુરતના તક્ષશિલામાં આગ લાગી હતી.  ત્યારે સરકારે જવાબદાર વ્યક્તિ પર ૩૦૪ની કલમ લગાવી જેલ ભેગા કર્યા હતા અને જામીન માંગતા જામીન પણ આપ્યા  ન હતા. ત્યારે આ શ્રેય હોસ્પિટલમાં પણ એ જ પ્રકારનો અગ્નિકાંડ થયો છે. પરંતુ તંત્રએ શોર્ટસર્કિટની કલમ લગાવી હતી અનેે આઈએએસ અધિકારી દ્વારા તપાસ કરાવી અને કમિશન નિમાવી અને હળવી કલમ લગાવી છે. જેથી જવાબદાર વ્યક્તિ સામે કોઈ પગલાં ભરાયા નથી. તંત્ર દ્વારા હોસ્પિટલ અને જવાબદાર વ્યકિતને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી દર્દીઓના સગાઓએ સીબીઆઈને તપાસ સોંપવા  અને જવાબદાર વ્યક્તિ સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી છે અને દર્દીઓના સગાઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક દુર્ઘટના નથી ષડયંત્ર છે.