શહેરની નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા આઠ લોકોનાં મોતની ગોઝારી ઘટના ઘટી છે. ત્યારે મૃતકોના પરિવારજનોમાં ભારે રોષ છે. શ્રેય હોસ્પિટલના ચાર ટ્રસ્ટીઓના નામ બહાર આવ્યા છે. જેમાંથી એક રાજકીય પક્ષ સાથે ઘરોબો ધરાવતા ટ્રસ્ટી ભરત મહંતને પોલીસે અટકાયત કરી પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જો કે ટ્રસ્ટી ભરત મહંત અગાઉ પણ વિવાદમાં સપડાયા હતા. એક કોલેજની વિદ્યાર્થિનીએ તેમની વિરૂદ્ધ છેડતીની પણ ફરિયાદ નોંધાવી હતી. જો કે તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા વિજયદાસ મહંતના દીકરા છે. ત્યારે થોડા સમય પહેલાં જ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટીમાં ભરત મહંત ઉપરાંત કિર્તિપાલ નવઘણ વિશાળા, ભાર્ગવ ભરત મહારાજા, તરંગ હરિભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું છે જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.