(સંવાદદાતા દ્વારા)     અમદાવાદ, તા.૯

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં જવાબદાર કોણ ? તેનું સત્ય બહાર આવે કે ન આવે પરંતુ આગ સૌ પ્રથમ જે બેડ પર લાગી તેનો વીડિયો લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી કેમેરાથી સ્પષ્ટ થાય છે કે, માત્ર ૯૦ સેકન્ડમાં જ આગ સમગ્ર આઈસીયુમાં પ્રસરી ગઈ હતી અને કોરોનાની સારવાર લેતા આઠ દર્દીઓ કંઈ સમજે તે પહેલાં જ ભડથું થઈ ગયા હતા. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત ૮ દર્દીનાં મૃત્યુના સમાચાર ચોતરફ ફેલાઈ ગયા છે. ત્યારે આ ઘટનામાં તંત્રએ શું કર્યું અને શું કરવું જોેઈએ એ અંગે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. નવરંગપુરા પોલીસે આ ઘટનાને લઈને હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતની અટકાયત કરી પૂછપરછ કરી છે. આવામાં ફાયર વિભાગે એનઓસી નથી આપી અને તમામ સાધનો ચાલુ હોવાનો રિપોર્ટ પણ આપી દેવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટ ઓવર લોડ થયો કે નહીં તેની માટે ટોરેન્ટ પાવરના એક્સપર્ટ દ્વારા તપાસ કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનની, પોલીસની ટીમ અને ફાયરની ટીમે વેન્ટિલેશનની વ્યવસ્થા અંગે વીડિયોગ્રાફી કરી છે. આ સાથે ઈલેક્ટ્રિક મીટરમાં પાવર ઓવરલોડ માટે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી રહી છે. બેડ પર કોરોના દર્દી અરવિંદ ભાવસારને બાંધી રાખવા અંગે તેમના જણાવ્યા મુજબ કોઈપણ દર્દીને ઓક્સિજનની સુવિધા માટે અથવા તો કોવિડ દર્દી તરીકે સારવાર માટે આનાકાની કરે અથવા પૂરતો સહયોગ ન મળતો હોય તો બાંધી રાખવા પડે એવું હોઈ શકે છે. પોલીસ તપાસમાં શ્રેય હોસ્પિટલના સીસીટીવી પણ તપાસવામાં આવ્યા છે જેમાં બેડ પર સૌ પ્રથમ કેવી રીતે અને ક્યાંથી આગ લાગી તેનો વીડિયો પણ લેવામાં આવ્યો છે જેનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સીસીટીવીમાં સ્પષ્ટ સામે આવ્યું છે કે, ૯૦ સેકન્ડમાં આગ સમગ્ર પરિસરમાં પ્રસરી હતી. શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના મામલામાં હોસ્પિટલના તમામ ફાયર સાધનો ચાલુ હાલતમાં હતા તેવું સામે આવ્યું છે પરંતુ હોસ્પિટલે ફાયરનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધું નહોતું, જેથી કેવી કલમો લગાવી તે અંગે ચીફ ફાયર ઓફિસર સાથે મળીને પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવશે.