તાજેતરમાં વડોદરાની કોરોના હોસ્પિટલમાં લાગેલી આગમાં લોકોને બચાવી લેવાયા હતા તો
પછી શ્રેય હોસ્પિટલના દર્દીઓને શા માટે ન
બચાવી શકાયા? આ દર્દીઓના હાથ-પગ સલામત
હતા તેઓ જાન બચાવવા ભાગી શકે તેમ હતા છતાં
તેઓ પથારીમાં જ ભડથું થઈ ગયા તે વાત શંકાસ્પદ
છે : હતભાગી પરિવારનો અણીયાળો પ્રશ્ન
(એજન્સી) અમદાવાદ, તા.૧૦
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. કેમ કે, આ દુર્ઘટનામાં ભોગ બનનારા મૃતકોના પરિવારજનોએ ખુલાસો કર્યો હતો કે, આગ લાગ્યાના કલાકો બાદ પણ મોબાઈલ ફોનની ઘંટડી વાગી રહી હતી. એક પીડિતે તો એવો અરોપ લગાવ્યો હતો કે, ફોન હોસ્પિટલના કર્માચારીના સગા પાસે છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય છે. વહેલી પરોઢિયે ૩ઃ૦૩ વાગ્યે આગ લાગી હતી. જેમાં હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ દર્દીઓ દાઝી જતાં મોતને ભેટયા હતા. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાઘનો અને પૂરતા સીસીટીવી કેમેરા નહીં હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એટલુંજ નહીં ઘટના સમયે આઈસીયુમાં મેડિકલ કેર કર્મચારીઓ કે ડોકટરો પણ હાજર ન હતા. પણ આ કમકમાટીપૂર્ણ ઘટનામાં સૌથી શંકાસ્પદ વાત એ છે કે, આખરે દર્દીઓના મોબાઈલ ફોન ક્યાં ગયા. મોબાઈલ ફોન કેમ ગુમ છે.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લીલાવતીબેન શાહના પુત્ર રાજેશ શાહે અમદાવાદ શહેરના એ ડિવિઝનના એસીપી સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી. રાજેશ શાહે જણાવ્યું હતું કે, ઘટના વહેલી પરોઢિયે ત્રણ વાગ્યે બની અને ઠેઠ સવારે સાત કલાકને ૨૨ મિનિટે જાણ કરવામાં આવી તે વાત પણ શંકા જન્માવે તેવી છે. કેમ કે, મે પાંચ ઓગસ્ટની રાત સુધી મારી માતાના મોબાઈલ પર ફોન કર્યો હતો પણ સામેથી કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ મને મારી માતાના ફોન નંબર પરથી બપોરે ૧ કલાકને ૧૭ મિનિટે ફોન આવ્યો હતો અને ચાર વખત મારા ફોનની ઘંટડી વાગી હતી. હું ફોન રિસિવ કરવાનું ચૂકી જતાં મે તુરંત વળતો ફોન કર્યો હતો. મેં ૧ કલાકને ૧૮ મિનિટે ફોન કર્યો હતો. આ વખતે એક મહિલાએ ફોન ઉપાડયો હતો અને તેણે પોતે અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી બોલી રહી હોવાનું જણાવ્યું હતું. મેં જ્યારે એ વાતની તપાસ કરી કે, મારી મૃત માતાનો ફોન આ મહિલા પાસે કેવી રીતે આવ્યો તો, મને જાણવા મળ્યું કે, ફોન પર વાત કરનારી મહિલા શ્રેય હોસ્પિટલમાં કામ કરતી મનીષા નામક કર્મચારીની માતા હતી. આ ફોન મનિષાએ પોતાની માતાને આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. ફોન રિસિવ કરનારી મહિલાએ મને ફરી ફોન નહીં કરવાની પણ ધમકી આપી હતી. એટલુંજ નહીં મારા માતાના ફોનમાંથી તમામ વિગતો ડિલીટ કરી દેવામાં આવી હતી. ફોન પણ ડિસકનેકટ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ મે આ નંબર પર ૧૧ ઓગસ્ટના રોજ સવારે ૧૦.૧૩, બપોરે ૩.૪૩ અને ૩.૫૦ વાગ્યે ફોન કર્યો હતો પણ ફોન જોડાયો ન હતો. શાહે પોતે કરેલા કોલની હિસ્ટ્રીના ફોટા પાડી તેને પોલીસને સોંપ્યા હતા જેથી ફોન પરત મળી શકે. શાહે વધુમાં માંગ કરી હતી કે, તેમની રજૂઆતને ઔપચારિક ફરિયાદ તરીકે જોવામાં આવે. એટલુંજ નહીં તેમણે તપાસ અહેવાલ, એફએસએલ રિપોર્ટ અને ઘટનાના પંચનામાની પ્રમાણિત નકલો માંગી હતી. સબરંગઈન્ડિયા સાથે વાત કરતાં શાહે જણાવ્યું હતું કે, તપાસ યોગ્ય નથી. અમે હજુ જવાબ મળવાની રાહ જોઈ રહ્યા છે. આ ઘટના અમારા સમગ્ર પરિવાર માટે વજ્રઘાત સમાન પુરવાર થઈ છે.
હકીકતમાં, ગુમ થયેલા ફોનની બાબતમાં ઘટનાઓના શંકાસ્પદ વળાંકમાં, દુર્ઘટનામાં મૃત્યુ પામનારા આરિફભાઈ મનસુરીના ભાઈ સમીરભાઈ મનસુરીએ સબરંગઈન્ડિયાને જણાવ્યું હતું કે, શ્રેય હોસ્પિટલના સત્તાધીશોએ મારા મૃતક ભાઈનો ફોન પરત કર્યો હતો. આ ફોન સંપૂર્ણ રીતે કાર્યરત હતો અને તેને કોઈ નુકશાન થયું ન હતું. હોસ્પિટલ તંત્રએ મને સવારે સાત વાગ્યે બોલાવ્યો હતો. હું મારા અન્ય પારિવારિક સભ્યો સાથે ૨૦ મિનિટમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. આ સમયે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત હતી અને દેખીતી રીતે અમે જાણ્યું હતું કે, અમને હોસ્પિટલમાં જવાની પરવાનગી નહીં મળે. અમને માત્ર મારા ભાઈના મોતના સમાચાર આપવામાં આવ્યા હતા. લગભગ આઠ વાગ્યાના સુમારે રિસેપ્શન પર એકધારો જોવા મળેલો શખ્સ મારી પાસે આવ્યો હતો અને મને મારા ભાઈનો ફોન આપ્યો હતો. મને તે શખ્સનું નામ યાદ નથી. મનસુરી અત્યાર સુધી થયેલી પોલીસ તપાસથી સંપૂર્ણ રીતે નાખુશ છે. તાજેતરમાં વડોદરાની કોવિડ હોસ્પિટલ ખાતે આગ ફાટી નીકળી હતી. જેમાં લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારે આપણે એ વાતની સચ્ચાઈ તપાસવી જોઈએ કે જો અન્ય હોસ્પિટલમાં આગની ઘટના સમયે લોકોને બચાવી શકાતા હોય તો શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મૃત્યુ પામેલા આઠ લોકોને શા માટે બચાવાયા નહીં. તેમને કોરોના થયો હતો. તેમને બચાવી શકાયા હોત કેમ કે, તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી, નહીં કે, લકવાની. તેઓ જીવ બચાવવા ભાગી શકે તેમ હતા. ઉપરાંત આઈસીયુમાં શા માટે એક પણ ડોકટર કે, મેડિકલ કર્મચારી હાજર ન હતા?
આ હૃદયદ્રાવક ઘટનામાં એડવોકેટ સુહેલ તિરમીઝીના પત્નિ આયેશાબેન તિરમિઝી પણ મોતને ભેટયા હતા. આગની ઘટનાના કલાકો બાદ પણ તેમની પત્નિનો ફોન ચાલુ હોવાથી તેઓને પણ ઉચાટભર્યો અનુભવ થયો હતો. તેમણે સબરંગઈન્ડિયાને જણાવ્યું હતું કે, મેં પરોઢિયે ૫ઃ૩૦ કલાકે મારી પત્નિને વીડિયો સંદેશ મોકલ્યો હતો અને આ મેસેજ ડિલિવર થયાનું પણ દર્શાવાયું હતું. જો પીડિતો ૮૦ ટાક દાઝી જવાથી મોતને ભેટયા હોય તો તેમના ફોનને શા માટે ઊની આંચ પણ ન આવી? એડવોકેટ સુહેલ તિરમીઝીએ આ જ મુદ્દે અધિક પોલીસ કમિશનર સમક્ષ પણ રજૂઆત કરી હતી. છ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ વહેલી પરોઢિયે ત્રણ કલાકને ત્રણ મિનિટે લાગેલી આગમાં શ્રેય હોસ્પિટલનો આખો આઈસીયુ વોર્ડ રાખ થઈ ગયો છતાં પરોઢિયે ૫ઃ૩૦ કલાકે કરવામાં આવેલો મેસેજ ડિલિવર થયો હતો. એટલે કે, આ સમયે પણ મારી પત્નિનો ફોન ચાલુ હાલતમાં હતો. આગની ઘટના બાદ પણ કોલ થતો હતો. એટલું જ નહીં આગની ઘટનાના ૩૬ કલાક બાદ પણ સાત ઓગસ્ટ ૨૦૨૦ના રોજ બપોરે ચાર વાગ્યા સુધી ફોનની રીંગ વાગતી હતી. તેમના દ્વારા અન્ય કેટલાક મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા હતા તેમજ શ્રેણીબદ્ધ આરોપો કરવામાં આવ્યા હતા. તેમણે આ આરોપો અંગે તાત્કાલિક ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે કરેલા આરોપો નીચે મુજબ છે.
૧. શ્રેય હોસ્પિટલ તંત્ર જાણતું હતું કે, સમગ્ર હોસ્પિટલ અને ખાસ કરીને આઈસીયુ વોર્ડમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ ન હતા અને આગ બુઝાવી શકે કે આગ લાગ્યાની ઘટનાથી સાવચેત કરી શકે તેવા ફાયર એલાર્મ, છંટકાવ, અગ્નિશામક સાધન અને આગ ઓલવતા નળ વગેરે સાધનોની સુવિધા ન હતી.
૨. શ્રેય હોસ્પિટલ તંત્ર જાણતું હતું કે, હોસ્પિટલમાં જૂનાપુરાણા ઈલેકટ્રીક વાયરો અને ઉપકરણોની તપાસ કરવામાં આવી ન હતી. આટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. ચોમાસામાં ઈલેકટ્રીક વાયરિંગમાં ખામી સર્જાવાની શક્યતા વધારે રહેલી હોય છે ત્યારે આટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલના તંત્રએ આ દિશામાં કોઈ જરૂરી પગલાં ભર્યા ન હતા.
૩. હોસ્પિટલ તંત્રએ વાતથી પણ સારી રીતે વાકેફ હતું કે, આઈસીયુ વોર્ડમાં આગ નિયંત્રણ કે આગ સામે રક્ષણ આપતા સાધનો ઉપલબ્ધ નથી.
૪. હોસ્પિટલ એ વાત પણ જાણતી હતી કે, આગની ઘટના સમયે તેની પાસે બચાવના કોઈ સાધનો ઉપલબ્ધ નથી અને આવી સ્થિતિમાં દર્દીઓ મોતને ભેટી શકે છે.
૫. શ્રેય હોસ્પિટલ તંત્રએ વાતથી પણ સારી રીતે વાકેફ હતું કે, તેમની પાસે ફાયર એનઓસી નથી. શ્રેય હોસ્પિટલના સત્તાધીશોએ એનઓસી મેળવવા પણ કોઈ અરજી કરી ન હતી, જેનો મતલબ એ થાય કે તેઓ સારી રીતે જાણતા હતા કે, તેઓ આગની અન્ય કોઈ દુર્ઘટના સમયે નિર્દોષ કે નિસહાય દર્દીઓના જાન બચાવી શકતા નથી. તેઓ દર્દીઓના જાનને જોખમમાં મૂકી રહ્યા છે.
૬. શ્રેય હોસ્પિટલે આગ કે અન્ય કોઈ દુર્ઘટના સમયે નિસહાય દર્દીઓના જાન બચાવવા પોતાના સ્ટાફને જરૂરી તાલીમ કે માહિતી આપી ન હતી.
૭. હોસ્પિટલમાં આગ લાગ્યાના ચાર કલાક બાદ મૃતક દર્દીઓના સગાઓને જાણ કરવામાં આવી હતી.
૮. શ્રેય હોસ્પિટલ તંત્ર-સ્ટાફ-મેનેજમેન્ટ આઈસીયુમાં આગ લગાવે ત્યારે આઈસીયુ વોર્ડમાં દાખલ દર્દીઓ બહાર પોતાના સગાનો સંપર્ક ન સાધી શકે તે માટે આગ લાગ્યા પહેલા જ દર્દીઓની સોનાની ચેઈન અને મોબાઈલ ફોન સેરવી લેવામાં આવ્યા હતા.
સબરંગઈન્ડિયાએ જણાવ્યું હતું કે, પીડિત પરિવારોએ વ્યાપક તપાસની માંગ સાથે આ દુર્ઘટનાની તપાસ સીબીઆઈ પાસે કરાવવા પર ભાર મૂકયો હતો. (સૌ.ઃ સબરંગઈન્ડિયા)
Recent Comments