૨૦૦૩માં સાદિક જમાલને ફેક એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારનારા બે પોલીસકર્મીઓની નિર્દોષ મુક્ત કરવાની અરજીનો સીબીઆઇએ વિરોધ કર્યો,
ગુજરાત પોલીસે સાદિક જમાલ સામે તે વખતના રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓની હત્યા કરવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો

(એજન્સી)
અમદાવાદ, તા. ૨૧
સાદિક જમાલ મેહતર એન્કાઉન્ટર કેસમાં બે આરોપી પોલીસકર્મીઓને મુક્ત કરવાની અરજીનો વિરોધ કરતા વિગતવાર સોગંદનામું સીબીઆઇએ રજૂ કર્યું હતું. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે, આરોપી પોલીસકર્મીઓ રાહત માગી શકે નહીં કારણ કે, તેઓએ કથિત રીતે ષડયંત્ર રચ્યું, ગેરકાયદે અટકાયતમાં રાખી તદઉપરાંત ભાવનગરના આ યુવકની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. ગુજરાત પોલીસે સાદિક જમાલને આતંકવાદી તરીકે ચીતર્યો હતો જેમાં આરોપ મુક્યો હતો કે, તે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય ભગવા નેતાઓની હત્યા કરવાની યોજના બનાવી હતી અને તે ૨૦૦૨ના રમખાણોનો બદલો લેવા માગતો હતો. સીબીઆઇની તપાસમાં સામે આવ્યું છે કે, સાદિક જમાલની હત્યા આઠ પોલીસ કર્મીઓ દ્વારા કરાઇ હતી જેમાં જેજી પરમાર, આઇએ સૈયદ, કેએમ વાઘેલા, આરએલ માવાણી, જીએચ ગોહિલ, અજયપાલ યાદવ અને છત્રસિંહ ચુડાસમા સામેલ હતા અને તેમણે ૧૩મી જાન્યુઆરી ૨૦૦૩ના રોજ અમદાવાદના નરોડામાં ગેલેક્સી સિનેમા પાસેને અંબે ટ્રેડર્સ નજીક નકલી એન્કાઉન્ટરમાં સાદિક જમાલને ઠાર માર્યો હતો.
સોગંદનામામાં કહેવાયું છે કે, ૧૯ વર્ષના સાદિક જમાલને એસઆઇબી(સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યૂરો), મુંબઇ અને સીઆઇયુ(મુંબઇ પોલીસની ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ) દ્વારા અંધેરી મુંબઇની અરસા હોટેલ પાસેથી ૧૯ નવેમ્બર ૨૦૦૨ના રોજ પકડવામાં આવ્યો હતો. આ અરજીઓ આરોપી પોલીસ કર્મીઓ માવાણી અને યાદવ દ્વારા નિર્દોષ છોડવાની કરાયેલી અરજીના જવાબમાં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવાયું છે કે, તે વખતના ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અને હાલ નિવૃત્ત ડીએસપી તરૂણ બારોટ સહિતના અન્ય સ્ટાફના સભ્યો દ્વારા મુંબઇ પોલીસ પાસેથી સાદિક જમાલની કસ્ટડી લીધી હતી અને ૪ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ અમદાવાદ પરત ફર્યા હતા. ત્યારબાદ તેની હત્યા સુધી ડીસીબીના અધિકારીઓ દ્વારા ગેરકાયદે અટકાયતમાં રખાયો હતો. આ બે પોલીસ કર્મીઓએ અનેક આધારે પોતાને મુક્ત કરવાની અરજી કરી હતી. સીબીઆઇના જવાબમાં કહેવાયું હતું કે, જો સ્વબચાવમાં ક્રોસ ફાયરિંગમાં સાદિતનું મોત થયું છે તો આરોપી વ્યક્તિઓ સીઆરપીસીની કલમ ૧૯૭ હેઠળ કાયદેસર કાર્યવાહી માટે મંજૂરી માટે હકદાર બન્યા હોત. જોકે, તપાસ રિપોર્ટના આધારે આ કેસમાં આત્મરક્ષા માટે નહીં પરંતુ ઠંડા કલેજે હત્યા કરાઇ છે. આઇપીસીની કલમ ૩૦૨ અંતર્ગત ૧૨૦-બી હેઠળ આ અપરાધ દંડનીય છે તેથી આરોપી વ્યક્તિઓ સુરક્ષા મેળવવાના હકદાર નથી. એજન્સીએ ઉમેર્યું કે, કારણ કે, આ રીતે કોઇની પણ હત્યા કરવાનું અપરાધિક ષડયંત્ર સત્તાવાર ફરજ નથી અને કલ્પિત સત્તાવાર ફરજ પણ નથી. સીબીઆઇએ જણાવ્યુંં કે ટૂંકમાં કૃત્ય અને ફરજ સાથે કોઇ સંબંધ નથી.