વડોદરા, તા. ૧૪
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે થયેલા ઝઘડામાં નામચીન અઝહરુદ્દીન ઉર્ફે અજ્જુ કાણીયાની હત્યા કરી દેવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવ ને પગલે સયાજી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અજ્જુની તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ત્યારબાદ અજ્જુના રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચે પૂછતાછ કર્યા બાદ અજ્જુને જેલ હવાલે કરાયો હતો. છેલ્લા ઘણા સમયથી જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય કેદીઓ સાથે રહેતા અજ્જુને જેલમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ તેની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. અજ્જુની હત્યાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર જેલમાં અજ્જુ કાણીયાની માથાભારે બીપીન પરમાર તથા સાહિલ મહેશ પરમાર સાથે કોઇ કારણોસર અણબનાવ બન્યો હતો. સાહિલ તથા બિપીન પરમાર પાણીગેટ વિસ્તાર માં થયેલી હત્યાના આરોપમાં સજા ભોગવી રહ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. બીપીન અને અજ્જુ વચ્ચે આજે બોલાચાલી થઈ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા થયેલી માથાકુટમાં સાહિલ મહેશ પરમારે છતનું પતરૂ ઉખાડીને અજ્જુ કાણીયાના ગળાના ભાગે ફેરવી દીધું હતું. જેને પગલે અજ્જુ કાણીયો ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા અજ્જુ કાણીયાને સારવાર અર્થે તાત્કાલીક એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે અજજુ ના પરિવારજનો તથા તેના સમર્થકો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.મૃતક અજજુ ના પરિવારજનો દ્વારા તેની ષડયંત્ર કરી સુવ્યવસ્થિત રીતે હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. અજજુ ના સમર્થકો હોસ્પિટલ ખાતે ઉમટી પડતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી જેલના સીસીટીવી ફૂટેજ તથા જેલ સ્ટાફના નિવેદન મેળવવા તજવીજ હાથ ધરી છે.