મુંબઈ,તા.૧૧
મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આની સાથે સાથે મેડિકલ સ્ટાફમાં પણ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. આજે હોસ્પિટલના ૧૯ હેલ્થ વર્કર કોરોના અસરગ્રસ્ત આવ્યા હતા. આની સાથે જ મેડિકલ સ્ટાફના અસરગ્રસ્ત થવાનો આંકડો ૧૦૦થી ઉપર પહોંચી ગયો છે. મુંબઈમાં કોરોના સંકટ ઘેરુ બની રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ સકંજામાં આવતા તકલીફ વધી રહી છે. કોરોનાના ફ્રન્ટલાઇન મેડિકલ વર્કરોની વચ્ચે ઇન્ફેક્શન વધવાના પરિણામ સ્વરુપે મુંબઈમાં પ્રાઈવેટ હોસ્પિટલથી તાત્કાલિકરુપે સેફ્ટી કિટ, વધારાના ટ્રાન્સપોર્ટ સાધનો મંગાવવામાં આવ્યા છે. ભાટિયા હોસ્પિટલના ૧૪ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં ૧૦ નર્સ, બે તબીબ અને એક ફિઝિયોથેરાપિસ્ટનો સમાવેશ થાય છે. હોસ્પિટલને પણ સીલ કરી દેવામાં આવી છે જ્યારે દાદરની હોસ્પિટલમાં બે નર્સ કોરોના પોઝિટિવ આવી છે જેના પરિણામ સ્વરુપે હોસ્પિટલમાં દર્દીઓની ભરતી રોકી દેવામાં આવી છે. આગામી ૪૮ કલાકમાં તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. મુંબઈની મોટી હોસ્પિટલ જસલોક, વોકહાર્ટ, ભાટિયા હોસ્પિટલ સીલ કરવામાં આવી ચુકી છે. આના પરિણામ સ્વરુપે હોસ્પિટલોમાં સેફ્ટી પ્રોટોકોલ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. યોગ્ય પ્રોટોકોલ જાળવીને ઇન્ફેક્શનને રોકી શકાય છે. કસ્તુરબા હોસ્પિટલમાં એક પણ તબીબ અથવા તો સ્ટાફમાં કોરોનાનો કેસ આવ્યો નથી. બ્રિજકેન્ડી હોસ્પિટલમાં બે અન્ય નર્સ પણ કોરોના પોઝિટિવ આવી છે. મુંબઈમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધ્યા છે.