(એજન્સી) તા.૧૮
ઈરાનના આરોગ્ય મંત્રીએ મંગળવારે ચેતવણી આપી હતી કે જો ઈરાની લોકોએ વાયરસના પ્રસારને અટકાવવાના હેતુથી લાગુ કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું તો કોરોના વાયરસથી થતાં મૃત્યુની સંખ્યા બમણાથી વધુ થઈ શકે છે, કારણ કે મધ્યપૂર્વમાં આ સૌથી વધુ ખરાબ રીતે અસરગ્રસ્ત દેશમાં નવા કેસોમાં વિક્રમી ઊંચા સ્તરે ઉછાળો નોંધાયો હતો. રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વાયરસના ફેલાવાને રોકવા માટેના દેશવ્યાપી પ્રતિબંધો લાગુ કરતા પહેલા આરોગ્યમંત્રી સઈદ નમાકીએ જણાવ્યું હતું કે, આપણી આરોગ્ય પ્રણાલીને સુધારવા માટેની આ છેલ્લી તક છે. જો લોકો ખરા નહીં ઊતરે તો આપણે આ રમત હારી જઈશું અને ચાર અંકના મૃત્યુના આંકડા પર પહોંચી જઈશું અને તે એક ઊંડી ખીણ છે જેનાથી છટકીને બચી જવું મુશ્કેલ છે. સરકારનું કહેવું છે કે ર૧મી નવેમ્બરથી પાટનગર તહેરાન અને ૧૦૦ જેટલા અન્ય શહેરો અને ગામડાઓમાં કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. બિનજરૂરી વ્યવસાયો અને સેવાઓ બંધ કરી દેવામાં આવશે અથવા ગંભીર ઘટાડો કરવામાં આવશે અને તેવા શહેરોમાં કારને પ્રવેશવા અથવા શહેર છોડવાની મંજૂરી મળશે નહીં. છેલ્લા ર૪ કલાકોમાં ઈરાનમાં નવા કોરોના વાયરસ સંક્રમણના કેસો ૧૩,૩પર સુધી વધ્યા છે. જે રોજિંદા રેકોર્ડ છે. જેનાથી કુલ આંકડો ૭,૮૮,૪૭૩ સુધી પહોંચી ગયો છે, એમ આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું. મંત્રાલયના પ્રવક્તા સીમા સાદાત લારીએ રાજ્ય ટીવીને જણાવ્યું હતું કે છેલ્લા ર૪ કલાકમાં વિક્રમી ૪૮રની નજીક લોકોના મોત નિપજ્યા હતા. જેથી મૃત્યુઆંક ૪ર,૪૬૧ પર પહોંચી ગયો હતો. રાજ્ય ટીવીએ અહેવાલ આપ્યો હતો કે, પોલીસે જણાવ્યું હતું કે બુધવારથી પ્રાંતિય પાટનગરોમાંથી કાર પર શહેર છોડવા અથવા તેમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાગુ થઈ જશે.