(એજન્સી) તા.૧૩
તેલુગુ ભાષી રાજ્યો અને કર્ણાટક બંનેના હિંદુઓ ફસલના તહેવાર સંક્રાંતિની આ મહિને ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. જો કે ઉજવણીની તારીખ અંગે હજુ પણ ગૂંચવાડો પ્રવર્તે છે કારણ કે જ્યોતિષીઓમાં સંક્રાંતિની તારીખ અને તિથિ અંગે મતભેદો પ્રવર્તે છે અને નેટિઝન્સ સોશિયલ મીડિયા પર જુદી જુદી તારીખ રજૂ કરી રહ્યા છે.
સરકારી કેલેન્ડર અનુસાર આ વર્ષે સંક્રાંતિ ૧૫ જાન્યુ.ના રોજ આવે છે પરંતુ જ્યોતિષો અને પુરોહિતોના મત પ્રમાણે સંક્રાતિનો તહેવાર ઉજવવો જોઇએ. સાતુપલિના જ્યોતિષી પેદિન્તી સૂર્યનારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે સંક્રાંતિ શબ્દ સૂર્યનું એક રાશીમાંથી બીજી રાશીમાં જવાની પ્રક્રિયા વ્યક્ત કરે છે.
હિંદુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય મકર રાશીમાં પ્રવેશે ત્યારે સંક્રાંતિ ઉજવવામાં આવે છે. સામાન્યતઃ સંક્રાંતિ ૧૪ જાન્યુ.ના રોજ આવે છે પરંતુ આ વર્ષે સૂર્યની ગતિમાં ફેરફારને કારણે સંક્રાંતની તારીખ અંગે લોકો ગૂંચવાડામાં છે. આ વખતે આ ફેરફાર ૧૪ જાન્યુ. રવિવારે ૧.૪૬ કલાકે થશે. આથી મકરસંક્રાંતિનો તહેવાર ૧૪મી જાન્યુ.એ જ ઉજવવો જોઇએ અને કનુમાની ઉજવણી ૧૫મીએ કરવી જોઇએ.
હનામકોંડા ખાતેના પુરોહિત જી વેણુ માધવે જણાવ્યું હતું કે પંચાંગમાં બે જાતની ગણતરી આપી છે. એક ગણતરી અક્ષાંશ અને રેખાંશ પર આધારિત છે જ્યારે બીજી ગણતરી ગ્રહોની સ્થિતિ, સૂર્ય અને ચંદ્રગ્રહણ પર આધારીત છે. આ ગૂંચવાડાના મૂળ ૧૯૫૭માં રહેલા છે જ્યારે સમાન ચંદ્ર, પંચાંગ કેલેન્ડર રિફોર્મ કમિટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કમિટીએ જુદા જુદા પ્રદેશમાં હિંદુ તહેવારોના શુકનવંતા સમયની ગણતરીમાં રહેલા નજીવા ફેરફારની ઉપેક્ષા કરી હતી. આમ તહેવાર માટે તેના કારણે જુદા જુદા મહુર્ત કાઢવામાં આવે છે.