બોડેલી, તા.પ
સંખેડા સ્થિત નર્મદા વિસ્તાપિતો પડતર પ્રશ્નોનો સરકાર નિકાલ ન લાવતા આગામી ૩૧ ઓક્ટોબરના દિવસે વિસ્થાપિતોએ વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરી રસ્તા રોકો આંદોલન અને પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વિસ્થાપિતોની મિટીંગમાં નર્મદા સરદાર સરોવર યોજનામાં મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશના કુલ ૧૯ ગામ પૈકીના અસગ્રસ્તોના કેટલાક પડતર પ્રશ્નો છે. જેને લઈને ઘણી બધી વાર સરકારને રજૂઆતો કરવા છતાં પણ તેનો કોઈ નિકાલ આવ્યો નથી. અગાઉ આ વિસ્થાપિતો કોલોની ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠેલા અને ત્યાં સરકાર દ્વારા આશ્વાસન અપાતા પારણા કરાવ્યા હતા. ત્યારબાદ નર્મદા વિસ્થાપિતો ગાંધીનગરના ચક્કર કાપી થાક્યા છે અને ચૂંટણી પ્રચારમાં બોડેલી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભામાં નર્મદા વિસ્થાપિતોના સૌ પ્રશ્નોના નિકાલ કરવાની જાહેરાત કરી હતી. તેમ છતાં પણ આજદિન સુધી પડતર પ્રશ્નોના નિકાલ ન આવતા આગામી ૩૧ ઓક્ટોબર ર૦૧૯ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સરોવરની મુલાકાતે આવવાના છે ત્યારે નર્મદા વિસ્થાપિતો ફરી ઉપવાસ પર બેસી, રસ્તા રોકો આંદોલન જેવા કાર્યક્રમો કરી વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી મીટિંગમાં અપાઈ છે.