(સંવાદદાતા દ્વારા)
બોડેલી, તા.ર
સંખેડા તાલુકાની બિહોરા, રામપુરા અને વાસણા એ.પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં બાળકો બોલાવી પેપર વિતરણ કરતા કોવિડ-૧૯નાં કાયદાનું ઉલ્લંઘન કરી પોતાના ફોટા વોટ્‌સએપ ગ્રુપમાં શેર કરતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ગંભીર નોંધ લીધી છે. લોકડાઉનને કારણે ગુજરાતની તમામ શાળાઓ બંધ કરવામાં આવી છે અને બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે બાળકોને શાળામાં ન બોલાવવા અને તેમના ઘરે જઈને પેપર આપવાની કામગીરી કરવા માટે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું પણ ડીડીઓના ફરમાનનું ઉલ્લંઘન કરી સંખેડા તાલુકાની બિહોરા, રામપુરા અને વાસણા એ પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોને પેપર વિતરણ કર્યું હતું. કેટલાક શિક્ષકો કોરોના વાયરસના નિયમોને નેવે મૂકી શાળાના બાળકોને કોઈપણ સેફ્ટી આપ્યા વગર શાળા ખોલીને બાળકોને શાળામાં બોલાવીને પેપરો આપવાની કામગીરી કરી હતી. સંખેડા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકો જેમાં બિહોરા શાળાના મહિલા શિક્ષિકા પોતે શાળામાં આવી માસ્ક પહેર્યા વગર બાળકને પેપર આપ્યા હતા અને બાળકનું પણ વિચાર ન કર્યો ત્યારે બીજી શાળા રામપુરમાં શિક્ષક પોતે શાળા ખોલીને બાળકોને પેપર લેવા બોલાવાયા અને પેપરો વહેંચ્યા હતા. તેઓએ સોશિયલ ડિસ્ટન્સ ન રાખી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. જ્યારે વાસણા શાળાના શિક્ષક દ્વારા પણ બાળકોને શાળામાં બોલાવી સરકારના કાયદાની એસી-તેસી કરી હતી. હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ અધિકારીની વારંવાર સૂચના છતાં કાયદા ગંભીરતા ન લેવાઈ અને કોરોના વાયરસના સંક્રમણને નોતરું આપ્યું હતું. હાલ તો બાળકમાંથી કોરોના વાયરસની ગંભીર બીમારી લાગે તેના માટે આવા બેજવાબદાર શિક્ષકો સામે પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.